સોનુ સંતાડવા ટોઇલેટનો ઉપયોગ
સ્વીપર જીતેન્દ્ર સોલંકીનું બહુમાન કરવામાં આવ્યું
ઇમાનદાર સ્વીપરે 39 લાખનું સોનું કસ્ટમ વિભાગને સોંપ્યું
અમદાવાદ :07’01’2023
હેરફેર નહીં પણ હેરાફેરી માટે અમદાવાદ એરપોર્ટ વધુ બદનામ થઈ રહ્યું છે. અત્યાર સુધી અનેક વખત નશીલા પદાર્થ પકડાયા બાદ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે દાણચોરીનું સોનુ મળી આવતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટોઇલેટમાં ગયેલા એક પેસેન્જરથી ફ્લશ ચાલુ ન થતાં ત્યાં કામ કરી રહેલા સફાઈ કર્મચારી જિતેન્દ્ર સોલંકીને ફરિયાદ કરી હતી. જેના આધારે જિતેન્દ્રએ ટોઇલેટનો ફ્લશ ચેક કરતા દિવાલનો ફ્લશ દબાતો ન હતો. જેથી આ ફ્લશની પ્લેટ ખુલ્લી હોવાથી તેને ચેક કરતા તેમાં કંઈ વજનદાર વસ્તુ હોવાનું જણાયું હતું. જેથી ચેક કરતાં કાળી સેલોટેપમાંથી સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. આ જોઈને જિતેન્દ્ર સીધો જ સુપરવાઇઝર પાસે પહોંચ્યાે હતો.
ત્યાંથી તે બંને જણા સોનાના બિસ્કિટ લઈ કસ્ટમના અધિકારીઓ પાસે પહોંચ્યા હતા. તેમણે સેલોટેપ કાઢીને ચેક કરતાં 116 ગ્રામના એક એવા છ બિસ્કિટ મળી આવ્યા હતા. જેનું કુલ વજન 696 ગ્રામ થતું હતું. જ્યારે તે સોનાની કિંમત રૂ.39 લાખ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.જિતેન્દ્રએ જણાવ્યું કે ‘ઇમિગ્રેશન પહેલા આવેલા જેન્ટસ ટોઇલેટમાંથી સોનું મળ્યું તે પહેલાં જ કુવૈતની ફલાઇટ આવી હતી. જેના કોઈ પેસેન્જરે સોનું છુપાવ્યું હોવાની આશંકા છે.’ એરપોર્ટના ટોઇલેટમાંથી અઠવાડિયામાં બીજી વખત સોનું મળ્યું છે.