ગાંધીનગર : 08’01’2023
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામે યોજાયલાં વિશ્વ આંજણા મહાસંમેલનને સંબોઘતા જણાવ્યું હતું કે, ગુજરાતે સમાજ શક્તિને વિકાસ સાથે જોડવાનો પરિચય દેશ- દુનિયાને આપ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ સરકાર પ્રત્યે વ્યક્ત કરેલાં અપાર વિશ્વાસને કારણે જવાબદારી બેવડાઇ છે. ત્યારે રાજયના પ્રત્યેક સમાજના સર્વાંગીણ અને સમ્યક વિકાસમાં કયાંય કચાશ રખાશે નહીં.
પ્રત્યેક સમાજના સર્વાંગીણ વિકાસે ગુજરાતની પ્રગતિને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી છે, તેવું સ્પષ્ટ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દેશના પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રાજય સરકારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસને કર્મમંત્ર બનાવીને રાજયના વિકાસને સફળતાની નવી ઉંચાઇ આપી છે.
તેમણે જણાવ્યું હતું કે, યોગ્ય પ્રોત્સાહન મળે તો પ્રગતિ કેવી રીતે કરી શકાય તે આંજણા- ચૌઘરી સમાજે દર્શાવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ સમાજના વિકાસલક્ષી પરિશ્રમની નોંઘ લઇ સમાજના પ્રત્યેક માનવ સુઘી વિકાસના સુફળ પહોંચે તેવી કાર્યપ્રણાલી રાજય સરકારે અપનાવી છે, તેમ પણ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે ઉમેર્યું હતું કે, એક્તામાં જ તાકાત રહેલી છે. એક બની, નેક બની પુરૂષાર્થ કરીએ તો વિકાસ નિશ્ચિત છે અને ગુજરાત સરકારે પ્રત્યેક સમાજના સર્વાંગીણ વિકાસની ચિંતા કરીને જનતા જનાર્દનનો પ્રેમ- વિશ્વાસ સંપાદિત કર્યો છે. આઝાદીના અમૃતકાળમાં વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતના કર્મમંત્ર સાથે આ અમૃતકાળ સર્વ સમાજ માટે વિકાસનો અમૃતકાળ બનશે, તેવી આશા અને વિશ્વાસ વ્યક્ત કરી મુખ્યમંત્રીએ સર્વકલ્યાણની ભાવના વ્યક્ત કરી હતી.
આ સમાજ પુરુષાર્થ કરીને આગળ આવનારો સમાજ છે, એવું કહીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ચૌધરી સમાજનો મોટો વર્ગ ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ઘણા પરિવાર આજે પણ મહેનત- મજૂરી કરીને જીવન નિર્વાહ ચલાવે છે.
સરકારનો પારદર્શિતાનો અભિગમ મહેનત કરનારા માટે લાભદાયી બન્યો છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા થોડાક સમયમાં સમાજના યુવાનોએ અથાગ મહેનત કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી છે. સરકારમાં એક કર્મનિષ્ઠ કર્મયોગી તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશ – રાજ્ય વિકાસના માર્ગ ઉપર જઈ રહ્યો છે. સરકારના આ વિકાસલક્ષી અભિગમને આ સમાજે સમર્થન કર્યું છે. આજે સમગ્ર સમાજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આ સરકારમાં સંપૂર્ણ વિશ્વાસ ઘરાવે છે.
મુખ્ય મંચ ઉપરથી જનમેદનીને નતમસ્તક નમન કરીને વિશ્વ આંજણા મહાસંમેલનના અધ્યક્ષ અને અમેરિકા- કેનેડા ચૌઘરી સમાજના પ્રમુખ રમણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્ય હેતુ ચૌધરી સમાજને વિશ્વફલક પર ઉજાગર કરવાનો છે. સમાજ સંગઠિત થાય અને પરિવર્તન સાથે વિકાસના આયામ સર કરે તે ખૂબ જરૂરી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ ના મંત્રને મૂર્તિમંત આ ચૌધરી સમાજ કરશે તેવો ર્દઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ,રાજસ્થાનના જાલોર- શિરોહીના સંસદસભ્ય દેવજીભાઇ એમ. પટેલ, અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શેઠ હરિભાઇ ચૌઘરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં રમણભાઇ ચૌઘરીના આ કાર્યને બિરદાવ્યું હતું. તેમજ સમાજને વ્યસન મુક્ત સમાજ, તંદુરસ્ત સમાજનું ઘડતર, શિક્ષિત સમાજ બને તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.
આ પ્રસંગે માણસાના ધારાસભ્ય જે.સી પટેલ, મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, બનાસકાંઠાના પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ સહિત આમંત્રિત મહાનુભાવો અને દેશના વિવિધ પ્રાંતો અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ચૌધરી સમાજના અગ્રણીઓ- બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૨૦૦ થી વધુ પણ એનઆરઆઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામ ખાતે યોજાયેલ વિશ્વ આંજણા મહાસંમેલનના સ્નેહ મિલન સમારંભને રાજયના મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો
Read Time:6 Minute, 6 Second