જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 18 મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ અને ચાન્સેલર શ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ
ગુજરાતમાં પ્રત્યેક ગામમાં ઓછામાં ઓછા 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે
પ્રાકૃતિક ખેતીમાં વિશેષ સંશોધનો કરવા કૃષિ છાત્રો અને વૈજ્ઞાનિકોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું આહ્વાન
જૂનાગઢ: 09’01’223
રાજ્યપાલ અને ચાન્સેલર શ્રી આચાર્ય દેવવ્રતજી જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલય ના 18 મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષાંત ઉદબોધનમાં તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, જે વિદ્યા ભણ્યા છો તેનો સમાજના કલ્યાણમાં-પરોપકારમાં ઉપયોગ કરજો. કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને તેમણે પ્રાકૃતિક ખેતીમાં વિશેષ સંશોધનો કરવા આહ્વાન કર્યું હતું અને કહ્યું હતું કે, વર્તમાનની તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતીમાં છે. તેનાથી ભૂમિનું ઓર્ગેનિક કાર્બન વધશે. ભારતની ધરતીની ખુશ્બુ પાછી આવશે. અનેક રોગોમાંથી મુક્તિ મળશે. પ્રાકૃતિક ખેતી જ વૈજ્ઞાનિક માર્ગ છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સમગ્ર ભારતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા આહ્વાન કર્યું છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કૃષિ ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે, ખેત ઉત્પાદન વધે છે, જમીનની ગુણવત્તા સુધરે છે, પાણીનો ઉપયોગ ઓછો થાય છે, પર્યાવરણનું સંરક્ષણ થાય છે અને ગુણવત્તાયુક્ત અન્ન મળે છે. ગુજરાતમાં અત્યારે ત્રણ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવમાં અનુરોધ કર્યો છે કે, પ્રત્યેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે. ગુજરાતમાં આગામી 15 મી ઓગસ્ટ સુધીમાં દરેક ગામમાં ઓછામાં ઓછા 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોને પણ પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત સંશોધનો કરીને તેના લાભો લોકો સુધી લઈ જવા તેમણે અનુરોધ કર્યો હતો.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, 1960 ના દાયકામાં ભારતને કૃષિક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા અને ઉત્પાદન વધારવા જે તે વખતે કૃષિ વૈજ્ઞાનિકોએ રાસાયણિક ખાતર વાપરવાનું સૂચન કર્યું હતું. તે વખતે ભારતમાં કૃષિ હેતુ માટે બહુ ઓછી જમીન ઉપલબ્ધ હતી. ખેતી બળદ આધારિત હતી. વૈજ્ઞાનિક સાધનો પણ ન હતા. તે વખતે તે જરૂરી હતું, પણ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધારે પડતા ઉપયોગથી ભારતની ભૂમિમાં તે વખતે ઓર્ગેનિક કાર્બન બેથી અઢી ટકા હતું તે અત્યારે 0.3 કે 0.4 ટકા થઈ ગયું છે. સંશોધનો કહે છે કે, જો રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ આ પ્રકારે જ થતો રહેશે તો 50 વર્ષ પછી ભારતની ધરતી ફર્શ જેવી થઈ જશે, એટલે આપણે વૈજ્ઞાનિક ઢબે વિચારવાની આવશ્યકતા છે.
વિશ્વના કૃષિ વૈજ્ઞાનિકોને પડકાર ફેંકતા શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સાબિત કરો કે યુરિયા, ડીએપી કે કીટનાશક દવાઓ ધરતીનું ઓર્ગેનિક કાર્બન વધારે છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી એક વર્ષમાં ભૂમિનું ઓર્ગેનિક કાર્બન બમણું થઈ જાય છે. આ દિશામાં સંશોધનો કરવા તેમણે કૃષિ વૈજ્ઞાનિકોને અનુરોધ કર્યો હતો.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, કૃષિ ઉત્પાદનોથી લોકોનું માત્ર પેટ ભરવાનું આપણું કામ નથી, પ્રત્યેકને ગુણવત્તાયુક્ત આહાર આપવો આપણી જવાબદારી છે. જે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે એ પ્રસન્ન છે. કૃષિના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોએ વિચારસરણી બદલવી પડશે. પ્રાકૃતિક ખેતી જ સફળ પ્રયોગ છે. આ દિશામાં વિશેષ સંશોધનો થશે તો દેશની મોટી સેવા થશે.
છાત્રોને શીખ આપતા શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, મન, વચન અને કર્મથી સદાય સત્યનું આચરણ કરજો. કર્તવ્યપરાયણ બનજો. જીવનમાં માતા-પિતા અને ગુરુ પ્રત્યે હંમેશા સામાજિક જવાબદારી નિભાવજો. તેમનું શ્રદ્ધાપૂર્વક આદર સન્માન કરજો અને શિક્ષકોએ-ગુરુજનોએ જે શિક્ષણ આપ્યું છે તેનો પરોપકાર માટે ઉપયોગ કરજો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 578 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. 17 છાત્રોનું 61 ગોલ્ડ મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી ડૉ. કલ્પિત ડી. શાહ અને શ્રી ડૉ. ગિરીશ વી. પ્રજાપતિને વર્ષ 2021-22 માટે કૃષિ ઉચ્ચ અભ્યાસમાં ‘શ્રેષ્ઠ શિક્ષક’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મોબાઈલ એપ્લિકેશન JAU i krishi Sanhita લોન્ચ કરવામાં આવી હતી. ડૉ. વી.ડી.તારપરા, ડૉ. બી. સ્વામીનાથન અને ડૉ. એચ. એમ. ગાજીપરા લિખિત પુસ્તક Objective Agricultural Economics નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
એસ.એમ.એલ. ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન શ્રી દિપક શાહે પ્રવચન આપતાં જણાવ્યું કે, ભારતનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. આજથી ૭૫ વર્ષ પહેલાં જ્યારે આપણને આઝાદી મળી ત્યારે ભારતની વસ્તી ખૂબ ઓછી હોવા છતાં અનાજ પૂરું પાડવામાં ઘણી સમસ્યાઓ હતી. અનાજ આપૂર્તિ માટે અમેરિકા પાસેથી ઘઉં આયાત કરવા પડ્યા હતા. ત્યાર પછી ડૉ. સ્વામીનાથનના નેતૃત્વમાં ભારતમાં હરિત ક્રાંતિની શરૂઆત થઈ, જેના પરિણામે ભારતનું અનાજ સહિતનું ઉત્પાદન ૫૦ મિલિયન ટનથી વધીને અંદાજે ૩૫૦ મિલિયન ટને પહોંચ્યું. આજે આપણે અનાજ નિકાસ કરવાની સ્થિતિમાં પણ પહોંચ્યા છીએ. તેમ છતાં કૃષિ ક્ષેત્રે હજુ ઘણાં નવા મુકામ હાંસલ કરવાના છે.
આજે અનાજ સહિતના ખેત ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યા છીએ. પરંતુ આજે પોષણક્ષમ ન્યૂટ્રિશિયસ અનાજ-આહારનો પ્રશ્ન આપણી સમક્ષ ઉપસ્થિત થયો છે. રાસાયણિક-દવા ખાતરના વધારે પડતા ઉપયોગથી જે નુકસાન થઈ રહ્યું છે તેના પરિણામો પણ આપણી સામે આવી રહ્યા છે. આ રાસાયણિક દવા-ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતાની સાથે પાક ઉત્પાદનને પણ અસર પહોંચી છે. આ સાથે શ્રી શાહે ઝીંક ઉણપ સહિતના કૃષિલક્ષી મુદ્દાઓની છણાવટ કરી હતી.
શ્રી શાહે કૃષિ ક્ષેત્રે આવેલા વ્યાપક બદલાવનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ખેતીમાં ટેકનોલોજીના આગમનથી શ્રમ ખૂબ સિમિત થઈ ગયો છે. ખાતર -દવાઓનો છંટકાવ પણ ડ્રોનના માધ્યમથી શક્ય બન્યો છે. સ્માર્ટફોનથી ડ્રીપ એરીગેશન સંચાલિત કરી શકો છો, સેટેલાઇટ ઈમેજિંગના માધ્યમથી પાકમાં આવેલ જંતુ-રોગોને જાણી શકાય છે. જેવા ઘણાં કૃષિમાં ક્રાંતિકારી ફેરફારો થયા છે. એક સમયે પીવાના પાણીની પણ સૌરાષ્ટ્રમાં સમસ્યા હતી. આજે સિંચાઈનો વિસ્તાર વધ્યો છે. તેનો રવિપાકમાં ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. કૃષિ સંશોધનો ખેડૂતો સુધી પહોચ્યાં છે. ત્યારે ગુણવત્તાયુક્ત આહાર લોકોને મળી રહી તે માટે કૃષિલક્ષી જ્ઞાન ખેડૂતો સુધી પહોંચાડવા પદવીધારક વિદ્યાર્થીઓને હિમાયત કરી હતી.
આ પ્રસંગે આઈસીએઆર ડીજીઆરના ડાયરેક્ટર ડો.એસ.કે.બેરાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાને દેશના સૌથી શાંતિપૂર્ણ સ્થળોમાંનો એક માનવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, ડિગ્રી એ ફક્ત એક પેપર માત્ર છે. તેને સાર્થક કરવા મળેલ શિક્ષણ સાથે આજથી તમારી ફરજ અને જવાબદારીઓ શરૂ થાય છે રાષ્ટ્ર, ખેડૂતો, અને સમાજ પ્રત્યે. તેમણે વિદ્યાર્થીઓને સમાજ રાજ્ય અને દેશ પ્રત્યેનું ઋણ તેમજ જવાબદારી અદા કરવા માટે આહ્વાન કર્યું હતું.
તેમને કૃષિક્ષેત્રે આવેલા પડકારો અને સમસ્યાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, દેશમાં આજે ગુણવત્તાવાળા અનાજ, કઠોળ, દૂધ, ફળોનો અભાવ એ સૌથી મોટી સમસ્યા છે. યુવાનોને આ સમસ્યા અંગે ચિંતન – મંથન કરવા અનુરોધ કરતાં તેમણે જણાવ્યું કે, આજે આપણે વિવિધ રોગોથી પીડિત છીએ ત્યારે તંદુરસ્ત જીવન માટે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા આહાર જ એનું એકમાત્ર વિકલ્પ છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી.પી.ચોવટિયાએ સ્વાગત પ્રવચનમાં યુનિવર્સિટીની સિદ્વિઓ, કામગીરીથી સૌને અવગત કર્યા હતા. આ પ્રસંગે કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી અને એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ 578 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર 17 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને કુલ 61 ગોલ્ડ મેડલ તથા એક રોકડ ઈનામ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે રજીસ્ટ્રાર શ્રી કલ્પેશ કુમારે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પરિવારના શ્રી એચ.એમ. ગાજીપરા, શ્રી એસ.જી. સાવલીયા, શ્રી ડી. કે. વરૂ, શ્રી એન.કે. ગોંટિયા સહિતના પદાધિકારી-અધિકારી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.