અમદાવાદ: 02’02’2023
અમદાવાદમાં વધુ એક વાર લૂંટનો બનાવ બન્યો હતો. ટ્રાફિકથી ધમધમતા શહેરના અખબાર નગર સકર્લ પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો, અમૃત કાન્તિલાલ પટેલ નામની આંગડિયા પેઢીના 2 કર્મચારીઓ પાસેથી લૂંટારૂઓ બેગ લઇને ફરાર થઈ ગયા હતા. આ બેગમાં રોકડ સહિત 25 લાખથી વધુનો મુદ્દામાલ હતો. લૂંટની ઘટનાને પગલે વાડજ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ લૂંટની ઘટનાની સમગ્ર તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક વિગતો અનુસાર અમદાવાદના અખબાર નગર સર્કલ પાસે આવેલા શ્રી રતન કોમ્પલેક્ષ પાસે આ લૂંટની ઘટના બની હતી. અમૃત કાન્તિલાલ પટેલ આંગડિયા પેઢીના કર્મચારી ટુ વ્હીલર પાસે સોનાના દાગીના ભરેલી બેગ લઇને ઉભા હતા ત્યારે બાઇક પર અજાણ્યા ઇસમો આવીને સોનાથી ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા. આ બેગમાં 25 લાખના દાગીના હતા.
લૂંટારૂઓએ બેગની ચીલઝડપ કરતા કર્માચરીએ પ્રતિકાર કર્યો હતો અને બૂમાબૂમ કરી હતી, પરંતુ લૂંટારુઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. આ મામલે વાડજ પોલીસે લૂંટની ફરિયાદ નોંધીને સઘન તપાસ હાથ ધરી છે. તેમજ તે વિસ્તારના CCTV ફૂટેજ ચકસવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
અગાઉ ત્રણ મહિના પહેલા શાહપુર મેટ્રો સ્ટેશન પાસેથી થઈ હતી કરોડોના દાગીનાની લૂંટ
શહેરમાં લૂંટના બનાવો અવાર નવાર બનતા રહે છે ખસ કરીને આંગડિયા પેઢીના કર્મચારીઓ વધારે પ્રમાણમાં આવી ઘટનાનો ભોગ બને છે નવેમ્બર માસમાં શહેરમાં સી.જી રોડ ઉપર આવેલી રોડ પર આવેલી એસ.એસ.તીર્થ ગોલ્ડ પેઢીના બે કર્મચારીઓ સોનાના દાગીના લઈ એક્ટિવા પર શાહપુર મેટ્રો સ્ટેશન પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન લૂંટારું ટોળકીએ 2.81 કરોડના સોનાનાં દાગીના ભરેલી બેંગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. જેમાં સીસીટીવી આધારે તપાસ કરતા ક્રાઇમ બ્રાંચે પ્રાથમિક તપાસમાં છારાનગરની ટોળકી હોવાનું સામે આવ્યું હતું.