ગાંધીનગર: 02’02’2023
પ્રજાસત્તાક દિવસ ૨૦૨૩ની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો ‘લોકપ્રિયતા શ્રેણીમાં’ પ્રથમ ક્રમે આવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માહિતી ખાતાને અભિનંદન પાઠવ્યા હતા.
સોલાર એનર્જી-વીન્ડ એનર્જી-મોઢેરા સોલાર વિલેજ સહિતની ગુજરાતની ઊર્જા ક્રાંતિની પ્રસ્તુતિ સાથે તૈયાર કરાયેલો ગુજરાતનો ટેબ્લો ‘લોકપ્રિયતા શ્રેણી’માં વિજેતા જાહેર થયો હતો. આ ટેબ્લો દર વર્ષે માહિતી ખાતા દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અવંતિકાસિંહ ઔલખ અને નિયામક આર.કે. મહેતાના માર્ગદર્શન હેઠળ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો હતો. માહિતી ખાતાની આવી ઉત્કૃષ્ટ કામગીરી બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સમગ્ર માહિતી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ૭૪ માં ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર યોજાયેલી પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો ”પીપલ્સ ચોઈસ એવોર્ડ (લોકપ્રિયતા શ્રેણી)” માં પ્રથમ ક્રમે આવ્યો છે. My Gov પ્લેટફોર્મ દ્વારા રાજ્યોના ટેબ્લોઝની શ્રેષ્ઠતા પસંદગી માટે દેશની જનતા પાસેથી ઓનલાઇન વોટિંગ થયુ હતુ. જે અંતર્ગત પીપલ્સ ચોઇસ એવોર્ડમાં ગુજરાતનો ટેબ્લો સૌથી વધુ વોટ શેર સાથે પ્રથમ ક્રમે આવ્યો હતો.