• જે ફરજ અને જવાબદારી પ્રદૂષણ બોર્ડના અધિકારીઓની છે તેઓ શું આંખ આડા કાન કરીને લાખો નાગરિકોના જીવન સાથે રમત કરી રહ્યું છે ?
અમદાવાદ: 03’02’2023
અમદાવાદ: ગુજરાતમાં સાબરમતી-ભાદર સહિત કુલ ૧૩ નદીઓ પ્રદૂષિત હોવાનો અહેવાલ સામે આવ્યો છે. પ્રદૂષણ અટકાવવા કરોડોનો ખર્ચ છતાં સ્થિતિમાં સુધારો જોવા મળ્યો નથી. સાબરમતી નદીમાં રાયસણથી વૌઠા સુધી પટ્ટમાં બાયોકેમિકલ ડિમાન્ડ સૌથી વધુ ચિંતાજનક ૨૯૨ નોંધાઇ. CPCB ના રિપોર્ટ પ્રમાણે સાબરમતી નદી સૌથી પ્રદુષિત નદી સાથે બીજા નંબરે છે.
CPCB ના રિપોર્ટ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રદુષિત બીજા ક્રમાંકે સાબરમતી નદીની પાણીની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ છે તેવું લોકસભામાં જળ મંત્રાલયનાં જવાબમાં સ્પષ્ટ થયા છતાં રાજ્ય સરકાર કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગંભીર નથી. જળ, વાયુ પરિવર્તન-કલાઈમેટ ચેન્જના નામે મોટી મોટી વાતો કરનાર મોદી સરકાર વિકાસના નામે માનવજીંદગી માટે મુશ્કેલરૂપ-પડકાર રૂપ ભારે માત્રામાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો માટે રેડ કાર્પેટ પાથરી રહ્યાં છે.
GPCB માં હપ્તારાજ ચાલે છે
ગમે તેવો – ગમે તેટલો વિકાસ, માનવ જીંદગીના ભોગે કરવો એ કેટલા અંશે વ્યાજબી ? તેવો પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, GPCBમાં હપ્તા રાજ ચાલે છે. ભાજપ સરકારના પાપે સાબરમતી સહિત અનેક નદીનું પાણી પીવા લાયક નથી. ભાજપ ચૂંટણી જીતવા GPCBનો ઉપયોગ કરે છે. GPCBના કાવતરા અને કારનામાના પાપે આ હાલત છે. સરકાર વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ રોકવામાં નાકામ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે કે, સાબરમતીનું પાણી પીવાલાયક નથી રહ્યું.
સાબરમતી નદીની સફાઈ માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમ છતાં પણ સાબરમતી નદીની આ દશા થઇ છે. ત્યારે સવાલ થાય કે ક્યાં ગયા સાબરમતી શુદ્ધિકરણના વચનો? આ રિપોર્ટમાં ગુજરાતની અન્ય ૧૨ નદીઓનો પણ સમાવેશ થયો છે. ભાદર,અમલખાડી, ભોગાવો, ભુખી ખાદી, દમણગંગા, ચાણોદ, કોઠાડા, ખારી, માહી કોટના, મિંધોલા, શેઢી, નિઝર, વિશ્વામિત્રીનો સમાવેશ થયો છે.
નોંધનીય છે કે, CPCBના રિપોર્ટ અનુસાર ચેન્નાઈની કૂમ નદીને દેશની સૌથી પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે. જ્યારે ગુજરાતની સાબરમતી નદી બીજા નંબર પર છે. લોકસભામાં કેન્દ્રીય જળમંત્રાલયએ રિપોર્ટ રજૂ કર્યો છે. જળમંત્રાલયના રિપોર્ટમાં ગુજરાતની 13 નદી પ્રદૂષિત હોવાનો ઉલ્લેખ કરાયો છે. 13 દૂષિત નદીમાં નર્મદા અને સાબરમતી નદીનો સમાવેશ થાય છે. દેશની ટોપ 3 પ્રદૂષિત નદીમાં સાબરમતી નદી પણ સામેલ છે. અમદાવાદની સાબરમતી નદીમાં ભયંકર પ્રદૂષણ ફેલાયું, સાબરમતી નદીના પ્રદૂષણ મામલે હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી હતી. નદીના શુધ્ધીકરણ માટે પાંચ વર્ષમાં ૩૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચ કરવામાં આવી છે.
નદીના પ્રદૂષિત પાણી માટે સૌથી મોટો પડકાર ઔદ્યોગિક-કેમિકલ કચરો અને ગટરના પાણી પણ મુખ્ય છે. ગુજરાતમાં નદીઓમાં પ્રદૂષિત સ્થિતિ ખરાબથી અતિ ખરાબ તરફ આગળ વધી રહી છે. જોખમી કચરાનો સમયસર નિકાલ ન થતાં જેના પરિણામે પાણી ઠાલવવામાં આવતું હતું તે કુદરતી જળાશયોમાં અને ભુગર્ભના પાણીમાં પ્રદૂષણ ફેલાયું.
બેફામ પ્રદૂષણ ઓકતા ઊદ્યોગોને પ્રદૂષણ ફેલાવાના પરવાના રાજ્યના ઔદ્યોગિક વિકાસના નામે ભાજપ સરકાર – મોદી સરકારની “ઘનસંગ્રહ યોજના” અને “ઋણઅદા યોજના” ના ભાગરૂપે હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, જળ, વાયુ પરિવર્તન – ક્લાઈમેટ ચેન્જ ના નામે મોટી મોટી વાતો કરનાર મોદી સરકાર વિકાસના નામે માનવજીંદગી માટે મુશ્કેલરૂપ – પડકાર રૂપ ભારે માત્રામાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો માટે રેડ કાર્પેટ પાથરી રહ્યાં છે. ગમે તેવો – ગમે તેટલો વિકાસ, માનવજીંદગીના ભોગે કરવો એ કેટલા અંશે વ્યાજબી?
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારી રીતરસમોથી માનવ જીંદગી સાથે ચેડાં કરી રહ્યું છે. જે ફરજ અને જવાબદારી પ્રદૂષણ બોર્ડના અધિકારીઓની છે તેઓ શું આંખ આડા કાન કરીને લાખો નાગરિકોના જીવન સાથે રમત કરી રહ્યું છે ?
સાબરમતી નદી સહિતની કુદરતી નદીઓની આસપાસના વિસ્તારના લોકોનું આરોગ્ય સુધરે તે માટે પ્રદૂષણ અટકાવવા તાત્કાલિક સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. એવી જાણકારી બોર્ડને હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરવા બદલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.