ગુજરાતના આણંદ જિલ્લામાંથી ગઇકાલે વધુ એક કોમી છમકલાની ઘટના સામે આવી છે, અહીં જિલ્લાના ધુળેટા ગામમાં હિન્દુ અને મુસ્લિમ યુવાનો વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી
ગુજરાતના આણંદ જિલ્લામાંથી ગઇકાલે વધુ એક કોમી છમકલાની ઘટના સામે આવી છે, અહીં જિલ્લાના ધુળેટા ગામમાં હિન્દુ અને મુસ્લિમ યુવાનો વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી, ગામના મંદિર પાસે સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો અને બાદમાં મુસ્લિમ સમાજના યુવાનોએ રોહિત સમાજના ચાર હિન્દુ યુવાનોને ઢોર માર માર્યો હતો. જોકે, અત્યારે પોલીસે દ્વારા આખા મામલાને શાંત પાડવામાં આવ્યો છે, અને ધુળેટા ગામમાં શાંતિનો માહોલ છે.
મળતી માહિતી પ્રમાણે, આણંદ જિલ્લાના ઉમરેઠ પાસેના ધુળેટા ગામે અચાનક કોમી છમકલું થયાની ઘટના ઘટી છે. ધુળેટાના રોહિત વાસના યુવાનો અને મુસ્લિમ યુવાનો વચ્ચે ધીંગાણું સર્જાયુ હતુ. ધુળેટા ગામના રામજી મંદિર પાસે પ થી ૬ રોહિત સમાજના યુવાનો બેઠાં-બેઠાં રમત રમી રહ્યાં હતા, આ દરમિયાન અચાનક મુસ્લિમ સમાજના યુવાનો ત્યાં આવી ગયા અને બોલાચાલી બાદ મુસ્લિમ સમાજના યુવાનોએ છુટ્ટા હાથની મારામારી કરવાનું શરૂ કરી દીધુ હતુ. મુસ્લિમ સમાજના યુવાનોએ રોહિત સમાજના યુવાનોને પહેલા કહ્યું કે, અહીં કેમ બેઠા છો જાવ નહીં તો ગામ છોડાવી દઇશું. આ પછી એકાએક બબાલ વધી ગઇ હતી. આ મામલે એક જૂથના યુવાનોએ પથ્થરમારો કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે
ધુળેટાની આ બબાલમાં રોહિત વાસના ચાર યુવાનોને ઢોર માર મારીને તેમના કપડાં પણ ફાડી નાંખ્યા હતા. જોકે, આ મામલે ધુળેટાના રોહિત વાસના યુવાનો અને મહિલાઓ ઉમરેઠ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, ઉમરેઠ પોલીસે ધુળેટામાં ઘટના સ્થળે પહોંચી પેટ્રૉલિંગ કર્યુ ત્યારે મામલો શાંત પડ્યો હતો. ઉમરેઠ પોલીસે રોહિત વાસના યુવાનોની ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરી દીધી છે, હાલ ધુળેટા ગામમાં શાંતિનો માહોલ છે.