સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ કે ઘેનમાં
છેલ્લા એક મહિનામાં બીજી વખત મનપસંદ જીમખાના પર દરોડા
ફરી શરૂ થશે જુગારનો ખેલ- અગાઉ ડઝનથી વધારે વખત રેડ થઈ પણ સ્થિતિ જેસે થે
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી 27 શકુનીઓની ધરપકડ કરી છે. મનપસંદ જીમખાનામાં એક મહિનામાં 2 મોટી રેડ થતાં સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. મનપસંદ જીમખાના પર અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ વખત દરોડા પડ્યા છે, પરંતુ દરોડા બાદ આરોપીઓ મોટું સેટિંગ કરી ફરી જુગારધામ ધમધમતું કરી નાખે છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી કે દરિયાપુર પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર આવેલ મનપસંદ જીમખાનું ફરી ધમધમતું થઈ ગયું છે. જેથી મોડીરાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દરિયાપુર મનપસંદ જીમખાનામાં દરોડો પાડ્યો. એક મોટા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઓપરેશન ચલાવીને 25થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા છે, આ તમામ જુગારીઓ એક જીમખાનામાં ભેગા થઇને જુગાર રમી રહ્યાં હતા.
અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળી હતી, આ બાતમીના આધારે શહેરના દરિયાપુરમાં આવેલા મનપસંદ જીમખાનામાં પોલીસે અચાનક દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી, જ્યાંથી ક્રાઇમ બ્રાન્ચે 25 જુગારીઓને રંગે હાથ જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા. ખાસ વાત છે કે, આ દરોડામાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી ગોવિંદ પટેલની પણ ધરપકડ કરી લીધી હતી. ક્રાઇમ બ્રાન્ચે મનપસંદ જીમખાનમાંથી જુગારના હિસાબની ચિઠ્ઠીઓ અને રોકડા રૂપિયા જપ્ત કર્યા હતા, આ પહેલા પણ જીમખાનામાં પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરાઇ ચૂકી છે. મનપસંદ જીમખાના પર અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ વખત દરોડા પડ્યા છે, પરંતુ દરોડા બાદ આરોપીઓ મોટું સેટિંગ કરી ફરી જુગારધામ ધમધમતું કરી નાખે છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ દરોડામાં ક્રાઈમ બ્રાન્ચે રોકડ, મોબાઈલ ફોન, વાહન તેમજ જુગારના સાધનો મળીને લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 1 મહિનામાં 2 મોટી રેડ થતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. મનપસંદ જીમખાનાના માલિકો સાથે સ્થાનિક પોલીસની સાંઠગાંઠ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા છે, સવાલ
સામાન્ય પરિસ્થિતિમાં કોઈ પોલીસ એજન્સી દ્વારા આવા દરોડા પાડવામાં આવે ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બદલીઓનો દૌર શરૂ થાય છે અને અસામાજીક પ્રવૃત્તિઓ ફરી શરૂ ના થાય તેની તકેદારી રાખવામાં આવે છે. પરંતુ દરિયાપુર પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર ધમધમી રહેલા મનપસંદ જીમખાના પર કોની રહેમ નજર હતી કે અગાઉના દરોડા બાદ પણ બેફામ કોઈની પણ પરવા કે ડર વગર ચાલી રહ્યું હતું. લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે, સ્થાનિક પોલીસની રહેમનજર અને કેટલાક પોલીસના ઉચ્ચ અધિકારીઓની કૃપા દ્રષ્ટિ અહીં મનપસંદ જીમખાના પર સતત વરસી રહી છે. ત્યારે હવે મનપસંદ જીમખાના પર ચાલતો ખેલ અટકશે કે પછી ખેલ ઊંધો પડશે તે જોવું રહ્યું.