બ્રિજ તૂટવાની ઘટના અકસ્માત નહીં પણ મર્ડર છે આરોપીઓ સામે 302ની કલમ લાગવી જોઈએઃ SIT
31 ઓક્ટોબર, 2022ના રોજ મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટ્યો હતો જેમાં કુલ 135 લોકોના મોત થયા હતા
મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 135 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ બ્રિજ દુર્ઘટનાના 1 વર્ષ બાદ ગુજરાત સરકારે રચેલી SIT દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ હાઈકોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં દુર્ઘટના માટે જયસુખ પટેલની ઓરેવા કંપનીને દોષી માનવામાં આવી છે.
SITએ 5000 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો
મોરબી બ્રિજ દુર્ઘટનામાં SIT દ્વારા 5000 પાનાનો રિપોર્ટ હાઈકોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પર હવે કોર્ટમાં સુનાવણી થશે. SITએ પોતાની રિપોર્ટમાં બ્રિજ તૂટી પડવાની ઘટનામાં ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની જવાબદારી હોવાનું ટાંકવામાં આવ્યું છે. બ્રિજનું સંચાલન કરવાનું કામ કરનારા ઓરેવા કંપની, MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ સહિતના લોકોને જવાબદાર બતાવાયા છે.
તે ઉપરાંત બ્રિજ તૂટવાની ઘટના અકસ્માત નહીં પણ મર્ડર છે જેથી આરોપીઓ સામે 302ની કલમ લાગવી જોઈએ એવું જણાવાયું છે. (Oreva Company)દીવાળી વેકેશન બાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
ઓરેવા કંપનીનું મેનેજમેન્ટ બ્રિજ ધરાશાયી થવા માટે જવાબદાર
રિપોર્ટમાં કહેવાયું કે, બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારના પ્રતિબંધની વ્યવસ્થા નહોતી કરાઈ. બ્રિજ ખોલતા પેહલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર નહોતો કરાયો. ઓરેવા કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટ કર્યું ન હતું. ટિકિટ વેચાણ પર પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ કરવામાં આવ્યો ન હતો. બ્રિજ પર સુરક્ષાના સાધનો અને સુરક્ષા કર્મીઓનો પણ અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયુ કે, બ્રિજનું કામ દેવપ્રકાશ સોલ્યુશનને અપાયું હતું. જેની વિશ્વસનીયતા ચેક કરાઈ નથી. ટિકિટો કેટલી વેચવી તે નક્કી કરાયુ ન હતું. ઓરેવા કંપનીનું મેનેજમેન્ટ બ્રિજ ધરાશાયી થવા માટે જવાબદાર છે.
જયસુખ પટેલ જેલમાં
ખાસ છે કે, જયસુખ પટેલ હાલમાં જેલમાં બંધ છે અને જેલમાંથી છૂટવા માટે હવાતિયા મારી રહ્યા છે. જોકે તેમની જામીન અરજી મંજૂર કરવામાં આવી રહી નથી. બ્રિજ તૂટી જવાની ઘટના બાદ પ્રાથમિક તપાસમાં યોગ્ય રીતે તેનું રિપેરિંગ ન થયું હોવાનું પણ સામે આવ્યું હતું. બ્રિજના કેબલને બદલવામાં જ નહોતા આવ્યા. ઉપરાંત નીચે લોખંડના પતરા લગાવી દેતા તેનું વજન વધી ગયું હતું. કમાણી માટે ક્ષમતા કરતા વધારે લોકોને ટિકિટ વેચવામાં આવી હતી.