મે મહિનાની બાવીસમી તારીખે દિપેન ભાવસારે પોતાના વોટ્સ-એપમાં રૂપિયા ડબલ કરવાનું સ્ટેટસ મુક્યું હતું. તેમણે નાનું રોકાણ કરીને 20 દિવસમાં પૈસા બમણાં કરી આપવાની ઓફર આપી હતી.
અમદાવાદ: રાજ્યમાં થોડા જ સમયમાં રૂપિયા કમાવવાના અનેક છેતરપિંડીના ફ્રોડ સામે આવતા હોય છે. તો પણ લોકો આવી લોભામણી વાતોમાં ફસાઇ જાય છે. ત્યારે ફરીથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. દિપેન ભાવસારે પોતાના સ્ટેટસમાં શેરબજારમાં રોકાણ કરીને વીસ દિવસમાં રૂપિયા ડબલ કરી આપવાની સ્કીમ મુકી હતી. જેનાથી ચાર જ મહીનામાં આ ગઠિયાએ પોતાના સાળા, સાળી અને અન્ય 28 લોકોને છેતર્યા છે. નરોડાના દિપેન ભાવસારે આ 28 લોકો સાથે 29 લાખની છેતરપિંડી કરી છે. હાલ સાણંદ પોલીસે આ અંગે ફરિયાદ નોંધાવી છે.
સાણંદમાં રહેતા પ્રિતિ પંચાલ અને હાર્દિક ડાભીએ તેમના બનેવી દિપેન શૈલેષભાઈ ભાવસાર (રહે. મધુવન ગ્લોરી, કૃષ્ણનગર, નરોડા) સામે સ્મોલ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે છેતરપિંડી કર્યાની ફરિયાદ સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદમાં આપેલી માહિતી પ્રમાણે,મે મહિનાની બાવીસમી તારીખે દિપેન ભાવસારે પોતાના વોટ્સ-એપમાં રૂપિયા ડબલ કરવાનું સ્ટેટસ મુક્યું હતું.
તેમણે નાનું રોકાણ કરીને 20 દિવસમાં પૈસા બમણાં કરી આપવાની ઓફર આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, 20 દિવસમાં 400 ના 800 રૂપિયા, 500ના 1000, 1200ના 2400 રુપિયા કરી આપવાની ખાતરી આપી હતી. તેમણે સ્ટેટસમાં એવું પણ લખ્યું હતુ કે, આ ઓફર આજના દિવસ પૂરતી જ છે. આવા લખાણ સાથે બે મોબાઈલ નંબર આપ્યા હતા.
આ સ્ટેટસ જોઇને પ્રિતીબેને દિપેન ભાવસાર સાથે વાત કરી હતી. પ્રિતીબેને પૂછ્યું હતુ કે તમે આવું રોકાણ કઇ રીતે કરો છો તેના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, હું શેરબજારમાં રોકાણ કરું છું. ડિપોઝીટ આપો તો 20 દિવસમાં પૈસા ડબલ કરી આપીશ તેવી વાત કહી હતી. પ્રિતીબહેન પંચાલે ફોન- પે અને ગુગલ- પે દ્વારા દિપેન ભાવસારને મે મહીનાથી સપ્ટેમ્બર મહીના દરમિયાન પોતાના 17 રોકાણો, વિનોદભાઈ સોલંકીનું એક રોકાણ અને પતિ હાર્દિક ડાભીના નામે 16 રોકાણ કર્યા હતા. જેની કુલ કિંમત 16 લાખ થતી હતી.
આ સાથે ફરિયાદમાં એવું પણ જણાવ્યુ છે કે, હાર્દિકભાઈએ ટૂકડે ટુકડે 23.72 લાખ દિપેનને આપ્યા હતાં. જેમાંથી 1.11 લાખ પરત આપ્યા હતા. આ ઉપરાંત દિપેન ભાવસારે વિરમગામમાં પણ 18 લાકો પાસેથી આવી જ રીતે રોકાણ કરવાનું કહી મુદ્દે નાણાં પરત નહીં ચૂકવી ઠગાઈ કરી છે. દિપેન ભાવસારે આ રીતે વિવિધ લોકો સાથે 29 લાખની છેતરપિંડી કર્યાનું સામે આવ્યુ છે. આ અંગે હાલ સાણંદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.