– વાલીઓ દ્વારા આ અંગે ફરિયાદ કરવામાં આવી
– મોટા ભાગની સીબીએસઈ શાળાઓ પણ ચાલુ હતી
રાજ્યમાં 31 ઓક્ટોબરે સરદાર જયંતી નિમિત્તે સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવેલી છે. સરકાર દ્વારા જાહેર રજા રાખવામાં આવી હોય તે વિશે શાળાઓમાં પણ રજા રાખવામાં આવતી હોય છે. પરંતુ અમદાવાદ શહેરની 4 ખાનગી શાળાઓએ જાહેર રજાના દિવસે પણ સ્કૂલ ચાલુ રાખી હોવાનું ધ્યાને આવતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારાશાળાઓને કારણદર્શક નોટિસ કટકારવામાં આવી છે. નોંધનીય છે કે જો કે નવકાર, ફૈઝાન, શ્રેયસ અને લિટલ ફ્લાવર સ્કૂલમાં વિધાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. વાલીઓ દ્વારા આ અંગે ફરિયાદ કર્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આંબાવાડીની શ્રેયસ સ્કૂલ, પાલડીની લિટલ ફ્લાવર સ્કૂલ, ગુલબાઈ ટેકરાની નવકાર સ્કૂલ તથા સરસપુરની ફૈઝાન સ્કૂલ મંગળવારના રોજ ચાલુ રાખવામાં આવી હોવાની વિગતો ડીઇઓને પ્રાપ્ત થઈ હતી. આથી શાળાને કારણ દર્શાવો નોટિસ આપવામાં આવી હતી. હવે સ્કૂલ તરકથી નોટિસનો જવાબ મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મંગળવારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે જાહેર રજા હતી. શહેરમાં મોટાભાગની CBSE સંલગ્ન શાળાઓ પણ સરદાર જયંતીએ ચાલુ રહી હતી. CBSE શાળાઓમાં પણ શિક્ષણકાર્ય ચાલુ રહ્યું હતું. પરંતુ તેમણે એવો બચાવ કર્યો હતો કે, બોર્ડ દ્વારા શાળાઓમાં સરદાર જયંતીની ઉજવણી કરવા માટે પરિપત્ર કરી સૂચના અપાઇ હતી. જેના પગલે શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી પરંતુ શાળાઓમાં વિધાર્થીઓની હાજરીને લઈને દબાણ થયું હોવાની વિગતો પણ સામે આવી છે. ડીઈઓએ આવી કેટલીક શાળાઓને પણ નોટિસ આપી છે.