• રાજ્યની આઠ સરકારી યુનીવર્સીટીમાં કાયમી કુલપતિની નિમણુક ના થાય તે પ્રકારે શિક્ષણ વિભાગની અણઘડ અને રગશિયા કામગીરી
• કુલપતિ પસંગી માટેની સર્ચ કમિટી આગળ કામગીરી કરીને કાયમી કુલપતિ પસંદગીને આખરી ઓપ ના અપાય અને બીજી બાજુ સંસદની ચૂંટણીને ધ્યાને લઇ અનેકને ગાજર લટકાવી શકાય તે પ્રકારનો ખેલ ગોઠવાઈ રહ્યો છે
રાજ્યની આઠ સરકારી યુનીવર્સીટીમાં કાયમી કુલપતિની નિમણુક ના થાય તે પ્રકારે શિક્ષણ વિભાગની અણઘડ અને રગશિયા કામગીરી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યની સરકારી યુનીવર્સીટીઓ પર કબજો જમાવવાની માનસિકતા દ્વારા બહુમતીના જોરે પસાર કરેલ કાયદા થી શૈક્ષણિક વ્યવસ્થાને મોટું નુકશાન થઇ રહ્યું છે. રાજ્યની આઠ સરકારી યુનીવર્સીટીઓના કુલપતિઓની કાયમી નિમણુંકો ન થાય તે માટે તખ્તો ગોઠવાઈ રહ્યો છે. રાજ્ય સરકાર ખુદ શિક્ષણ વ્યવસ્થા ખાડે ધકેલવા આગળ વધી રહી છે બહુમતીના જોરે શિક્ષણ વ્યવસ્થાને નુકસાન કરતો પબ્લિક યુનીવર્સીટી એક્ટના નિયમોનું મનફાવે તે રીતે અર્થઘટન શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. રાજ્યની સરકારી યુનીવર્સીટીની વ્યવસ્થાઓ જાણી જોઇને ખોરવાય, મનમાની ચલાવી શકાય તે દિશામાં રાજ્ય સરકાર એક પછી એક પગલા ભરી રહી છે. કરાર આધારિત કુલપતિઓ ના કરાર લંબાવવા ની મેલી રમત રમાઈ રહી છે જેથી સરકાર અનુકુળતા મુજબ મનફાવે તેવા નિર્ણયો કરાવી શકે. શું આ છે ભાજપનું શિક્ષણ મોડલ ?
સર્ચ કમિટીમાં નિયુક્ત કરવામાં આવેલ સભ્ય યેન – કેન પ્રકારે કાયદા મુજબ ન હોવાથી સર્ચ કમિટીની કાર્યવાહી માંથી મુક્ત થવું પડે તે શિક્ષણ વિભાગની મંશાને ખુલી પાડે છે. રાજ્યની માત્ર ૩ સરકારી યુનીવર્સીટી જી.ટી.યુ., ગુજરાત યુનીવર્સીટી અને એમ.એસ. યુનીવર્સીટમાં કાયમી કુલપતિ છે અન્ય આઠ યુનીવર્સીટી કરાર આધારિત અને કાર્યકારી કુલપતિથી વહીવટ ચાલી રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં ડમી સરકારી ઓફિસો, ડમી આઈએએસ, આઇપીએસ, વિગેરે ઓફિસર, મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રીની કાર્યાલયના અધિકારીઓ, ની જેમ કુલપતિને સર્ચ કમિટીના ત્રણ સભ્યોના નામોમાં પણ ડમી નામો આવી ગયા તે જવાબદારી કોની? સર્ચ કમિટીમાં પણ ડમી નામો રાખીને કરાર આધારિત કુલપતિઓને સમય લંબાવી આપવાનું મોટુ કૌંભાડ થઇ રહ્યાનું જણાય છે. સરકારી અધિકારીઓને ખબર જ હોય છે કે નામ કોનું મૂકી શકાય ? કાયદા મુજબ શું જોગવાઈ છે ? તેમ છતાં કુલપતિ પસંગી માટેની સર્ચ કમિટી આગળ કામગીરી કરીને કાયમી કુલપતિ પસંદગીને આખરી ઓપ ના અપાય અને બીજી બાજુ સંસદની ચૂંટણીને ધ્યાને લઇ અનેકને ગાજર લટકાવી શકાય તે પ્રકારનો ખેલ ગોઠવાઈ રહ્યો છે. અને આ ખેલમાં હાલના કાર્યકારી કુલપતિઓનો કરાર લંબાવાઈ જાય તેવું સ્પષ્ઠ આયોજન ચાલી રહ્યું છે જે શિક્ષણ જગત માટે નુકશાન જનક છે.