– નવા વર્ષના પ્રારંભે જ DGP એ 9000 પૈકી 6300 TRB જવાનો છૂટા કરવા આદેશ કર્યો હતો.
નવા વર્ષના પ્રારંભે જ DGP દ્વારા TRB જવાનોને છૂટા કરવાનો આદેશ કરતાં જ રાજ્યભરમાં TRB જવાનોમાં રોષ ફેલાયો હતો અને TRB જવાનો લડી લેવા માટે મેદાનમાં આવ્યા હતા. ઠેર ઠેર આવેદન અપાયા હતા અને અને વિરોધ કરવામાં આવ્યો હતો. આખરે આ મામલે હવે મોટા સમાચાર આવી રહ્યા છે કે, TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવી શકે છે. માત્ર એટલુ જ નહી પણ શિસ્તભંગના કેસમાં પણ પરત લેવામાં નહી આવે.
અમદાવાદમાં બે તોડકાંડ સામે આવ્યા હતા અને જેમાં TRB જવાનોની સંડોવણી પણ ખૂલી હતી. આ સિવાય જામનગરમાં પણ વિવાદ સામે આવ્યો હતો અને દિવ્યાંગ બાઈક ચાલકને TRB જવાને લાફો ઝીંકી દીધો હતો. સુરતમાં વકીલ મેહુલ બોઘરા ઉપર પણ TRB જવાને હૂમલો કર્યો હતો. ધારાસભ્ય કુમાર કાનાણી અને TRB જવાન વચ્ચે ચકમક ઝરી હતી.
રાજ્યભરમાં TRB જવાનો તોડ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી અને આખરે રાજ્યના પોલીસ વડા DGP વિકાસ સહાયે નવા વર્ષના પ્રારંભે જ 9000 પૈકી 6300 TRB જવાનોને છૂટા કરવાના આદેશ કર્યા હતા. આ આદેશ બાદ TRB જવાનો રસ્તા ઉપર આવી ગયા હતા અને હવે ન્યાય માટે લડત આપી રહ્યા હતા. 1100 TRB જવાનોએ 10 વર્ષ પૂરા કર્યા હતા અને તેમણે 30 નવેમ્બર સુધી છૂટા કરવાનો આદેશ કરાયો હતો.
તેવી જ રીતે 3000 TRB જવાનોને પાંચ વર્ષ પૂરા થતા હોય તેમણે 31 ડીસેમ્બરે છૂટા કરવાનો આદેશ કરાયો છે તો 2300 TRB જવાનોને 31મી માર્ચે 3 વર્ષ પૂરા થઈ રહ્યા છે તેવા જવાનોને પણ છૂટા કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. DGPના એક પરિપત્રને લઈ 6300 TRB જવાનો રસ્તા ઉપર આવી ગયા હતા અને તેમના પરિવારજનોની હાલત પણ કફોડી બની હતી. અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટમાં TRB જવાનો ન્યાય માટે રસ્તા ઉપર ઉતર્યા હતા અને આવેદનો આપ્યા હતા. જો કે, આ મામલે સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે કે, TRB જવાનોને છૂટા કરવાનો આદેશ મોકૂફ રાખવામાં આવી શકે છે.