સરખેજમાં એસીબીએ ટ્રેપ ગોઠવી
નાણાંકીય લેવડ દેવડના અરજી થતા બંને પક્ષે સમાધાન કરાવવાના બદલામાં નાણાંની માંગણી કરવામાં આવી હતી
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ગુરૂવારે સાંજે સરખેજ વિસ્તારમાં ટ્રેપ ગોઠવીને રૂપિયા ૨૫ હજારની લાંચ લેતા એલિસબ્રીજ પોલીસ સ્ટેશનના એએસઆઇને ઝડપી લીધા હતા. ધંધાકીય બાબતને લઇને બે ભાગીદારો વચ્ચે નાણાંકીય બાબતે થયેલી અરજીની તપાસમાં સમાધાન કરાવવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી હતી. આ અંગે એસીબીએ તપાસ શરૂ કરી છે.શહેરના આંબાવાડીમાં વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને તેના ભાગીદાર સાથે નાણાંકીય બાબતને લઇને તકરાર ચાલતી હતી. જે અંગે એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. જેની તપાસ આસીસટન્ટ સબ ઇન્સ્પેક્ટર મહિપતસિંહ બારડને સોંપાઇ હતી. જેમાં બંને પક્ષે સમાધાન કરાવીને ચેક અપાવવાનું નક્કી કર્યું હતું. સાથેસાથે કુલ રકમના ૨૦ ટકાની માંગણી મહિપતસિંહે કરી હતી. જો કે રકઝકના અંતે ૨૫ હજારની રકમ નક્કી કરવામાં આવી હતી. જો કે ફરિયાદી લાંચની રકમ આપવામાં ઇચ્છતા નહોતા. જેથી આ અંગે તેમણે એસીબીનાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીએ સરખેજ ઉજાલા સર્કલ પાસે છટકું ગોઠવ્યું હતું. જેમાં રૂપિયા ૨૫ હજારની લાંચ લેતા એએસઆઇ મહિપતસિંહને ઝડપી લેવાયા હતા