ગુજરાતમાં તલાટી કમ મંત્રી માટે શૈક્ષણિક લાયકાત સુધારાઈ: ગ્રેજયુએટ જરૂરી
ધો.12 પાસની શૈક્ષણિક લાયકાત વધારાઈ: પંચાયત સેવા પસંદગી મંડળનો પરિપત્ર જાહેર
ગુજરાતમાં તલાટી કમ મંત્રીની ભરતીમાં હવે ગ્રેજયુએટ થયેલા ઉમેદવાર જ અરજી કરી શકશે. ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા ભરતીની લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી ધો.12 પાસ કોઈપણ તલાટી કમ મંત્રી માટે અરજી કરી શકતા હતા પરંતુ હવે તે શૈક્ષણિક લાયકાત અપગ્રેડ કરીને સ્નાતક એટલે કે ગ્રેજયુએટ હોય
તે જ આ પરીક્ષામાં ભાગ લઈ શકશે. ગુજરાતમાં હાલમાં જ લેવાયેલી તલાટી કમ મંત્રીની પરીક્ષામાં લાખો અરજદારો સામેલ હતા અને આ અંગે પરીક્ષા લેવામાં પણ તંત્રને ભારે મુશ્કેલી પડી હતી. એક વખત આ પરીક્ષા પેપર ફુટવાને કારણે રદ પણ કરવી પડી હતી. જેમાં હવે રાજય સરકારે નિયમમાં ફેરફાર કર્યો છે. રાજયમાં હાલમાં જ તલાટી કમ મંત્રીની 3014 જગ્યાઓમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિમણુંકપત્ર અપાયા હતા
તેથી તાજેતરના ભવિષ્યમાં આ ભરતી થવાની શકયતા નહીવત છે. સરકારે લેન્ડ રેવન્યુ રેકોર્ડ પણ અપગ્રેડ કરવાની કામગીરી શરુ કરી છે અને આગામી સમયમાં આ તમામ રેકોર્ડ ઓનલાઈન પણ ઉપલબ્ધ થઈ જશે તે સમયે તલાટી કમ મંત્રી વધુ શિક્ષિત હોય અને ડીજીટલ કામગીરી પણ કરી શકે તે જરૂરી હોવાનું સરકાર માને છે. આ નવું જાહેરનામુ ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.