મહાકાળી મંદિરમાં તસ્કરો ત્રાટકયા, દાનપેટી, છત્ર અને મુકટની ચોરી
શિયાળો શરૂ થતાં જ જાણે ગોમતીપુર પોલીસ ઠંડી પડી ગઈ છે. અને શિયાળાનો લાભ તસ્કરોએ લઈ લીધો. અમદાવાદ શહેરના એક સમયના સંવેદનશીલ વિસ્તાર એવા ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા આવેલ પ્રેરણા સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરોએ મહાકાળી મંદિરના તાળા તોડ્યા અને જાણે પોલીસ ને ચેલેન્જ કરતા હોય તેમ દાનપેટી,છત્ર અને મુકટ ચોરીને ફરાર થઇ ગયા.
મહાકાળી મંદિરના પૂજારી સંજયભાઈ વહેલી સવારે નિત્યક્રમ મુજબ સવારની આરતી અને સેવા કરવા માટે મંદિર પાસે પહોંચ્યા ત્યારે તેમની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અચાનક મંદિરનું તાળું તૂટેલી હાલતમાં જોતા ચિંતાતુર સંજયભાઈ મંદિરમાં દેખ્યું તો મંદિર માં રહેલ દાનપેટી સહિત માતાજીનું મુકટ અને છત્ર પણ ગાયબ હતું.
મહાકાળી મંદિરમાં ચોરીની વાત સમગ્ર સોસાયટીમાં વાયુવેગે પ્રસરતા સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યા જ્યારે બીજી તરફ મંદિરમાં ચોરી કરનાર ચોરોને તાત્કાલિક ઝડપી પાડવાની માંગણી સાથે સ્થાનિકોએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
સ્થાનિકોનું માનીએ તો મહાકાળી મંદિરમાં ચોરી મોડી રાત્રે થઈ ત્યારે ખરેખર આ પ્રકારની અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા માટે પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવું જોઈએ પરંતુ જે પ્રકારે ચોરો દ્વારા મંદિરમાં ચોરી કરી તે જોતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થઇ રહ્યા છે જાણે ચોર પણ પોતાની ચોરવૃતિથી પોલીસ ને ચેલેન્જ કરતો હોય.
ગોમતીપુર પોલીસ દ્વારા ચોરીની ફરિયાદ નોંધીને આસપાસ વિસ્તારના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે ત્યારે દેખવું તે રહ્યું કે પોલીસ તસ્કરોને કેટલા સમયમાં ઝડપી પાડે છે.