મણિનગરમાં ગળા પર છરો મૂકી સોનાની ચેઇનની લૂંટ ચલાવી બે અજાણ્યા શખ્સો ફરાર

પોલીસે લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ નોંધી ફરિયાદ
મણિનગર વિસ્તારમાં રહેતા સાગર ટીપોટિયાએ મણિનગર પોલીસ મથકે બે અજાણ્યા શખ્સ સામે લૂંટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ આઈસ્ક્રીમનું પાર્લર ધરાવી વેપાર કરે છે. રાત્રીના સમયે ટી.જી.બી.કાફે એન્ડ બેકરીમાં સાગરભાઈ તેના મિત્ર સાથે નાસ્તો કરવા ગયા હતા. જ્યાં મિત્ર હોટલની અંદર પાણી બોટલ લેવા ગયો હતો. આ દરમિયાન પાણીની બોટલના પૈસા ચુકવણી મામલે કાઉન્ટર પર મિત્ર સાથે સામાન્ય બોલાચાલી ચાલી રહી હતી. ત્યારે અચાનક ત્યાં અજાણ્યો શખ્સ આવી પહોંચ્યો હતો. બાદમાં ફોન પર વિડીઓ કેમ બનાવે છે કહી મિત્ર સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી મિત્રએ સાગરભાઈને બુમો પાડી અંદર બોલાવ્યા હતા. જ્યાં તેને કેમ આમ કરો છો તેમ સાગરભાઈએ અજાણ્યા શખ્સને જણાવ્યું હતું.જેથી તું બહાર નીકળ તને જોઈ લવ તેમ ઉશ્કેરાઈ જઇ અજાણ્યા શખ્સે ધમકી આપી હતી. ત્યારબાદ સાગરભાઈ,તેમના મિત્ર સહિત હોટલનો સ્ટાફ બહાર આવ્યો હતો. આ સમય દરમિયાન સાગરભાઈની બોચી પકડી અજાણ્યો શખ્સ ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. એટલું જ નહીં કઈ સમજે તે પહેલાં જ અજાણ્યા શખ્સે તેની પાસે રહેલ પેન્ટમાંથી છરો કાઢી સાગરભાઈના ગળા પર રાખી પહેરેલ બે તોલાની સોનાની ચેઇન બળજબરીપૂર્વક લૂંટી લીધી હતી. ત્યારબાદ ત્યાં આવેલ અન્ય અજાણ્યા શખ્સ સાથે એક્ટિવા પર બેસી બંને લોકો ત્યાંથી નાસી છૂટ્યા હતા.