બદલાની આગ! પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની ફેક આઈડી બનાવી મેસેજ કરનારો અંજારનો શખ્સ ઝડપાયો

ઝડપાયેલો શખ્સ હત્યામાં સંડોવાયેલ જયંતી ઠક્કરનો સબંધી હોવાનું સામે આવ્યું : ઈન્સ્ટાગ્રામમાં આઈડી બનાવી મહિલાઓને બિભત્સ મેસેજ મોકલાયા હતા
વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીના નામે ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી મહિલાઓને બિભત્સ મેસેજ મોકલાયા હતા. જે અંગે જયંતી ભાનુશાળીના ભત્રીજાએ અમદાવાદ સાઈબર ક્રાઈમમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અંજારના રાજેશ મોતીરામ નામના શખ્સને ઝડપી લીધો હોવાની હકિકત જાણવા મળી છે.
નરોડામાં રહેતા સુનીલ ભાનુશાળી ફ્રૂટનો વેપાર કરે છે. તેમના કાકા જયંતી ભાનુશાળી અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય હતા અને ચારેક વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા. ૬ એપ્રિલે સુનિલભાઈ પર અજાણ્યા નંબર પરથી એક યુવતીનો ફોન આવ્યો અને કહ્યું હતું કે, તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કેમ કરો છો. જેથી સુનીલે કહ્યું કે આ મારા કાકા જયંતી ભાનુશાળીનો નંબર છે જેઓ ચાર વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા છે. જેથી મહિલાએ, જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર તેમના નામના આઈડી પરથી મને મેસેજ આવ્યો અને આ નંબર પર વાત કરવા માટે કહ્યું હતું. જેથી સુનીલભાઈએ તપાસ કરતા સોશિયલ મીડિયા પર તેમેના કાકાના નામનું એકાઉન્ટ બનાવી તેમાં તેમના અલગ અલગ ફોટો અપલોડ કર્યા હતા. જેથી આ અંગે સુનિલભાઈએ અજાણ્યા શખ્સ સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસે અંજારના રાજેશ મોતીરામ નામના શખ્સની અટકાયત કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે, રાજેશ ધોરણ 10મું ફેઈલ છે અને અંજાર ખાતે આવેલ કચ્છ ડિસ્ટ્રીક સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. રાજેશ મોતિરામ ભાનુશાલી હત્યા કેસમાં ઝડપાયેલ આરોપી જયંતી ઠક્કરનો સબંધી છે. રાજેશે જયંતી ઠક્કરનો બદલો વાળવા બનાવટી આઈડી બનાવી મહિલાઓને બિભત્સ મેસેજ મોકલ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.