ઇસનપુરમાં વાળ કપાવવાની દુકાનમાં તોડફોડ! પોલીસે બે શખ્સો સામે નોંધી ફરિયાદ

અમદાવાદના નારોલ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અને ઇસનપુરમાં વર્ષ 2010થી હેરસલુનની દુકાન ધરાવી ધંધો કરતા રાહુલ સેને ઇસનપુર પોલીસ મથકે ભોલા મરાઠી અને તેના મિત્ર રિતેશ મરાઠી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ પિતા સાથે દુકાને હાજર હતા.દરમિયાન ભોલાએ દુકાને આવી વાળ કાપવાનું કીધું હતું. જેથી રાહુલે અગાઉ કાપેલા વાળના પૈસા માગ્યા હતા. ત્યારે હવે પછી મારી પાસે વાળના પૈસા માંગીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ભોલો ત્યાંથી જતો રહ્યો હતો.બાદમાં રાત્રીના સમયે રાહુલના મિત્ર દીનુ ઉર્ફે દિનેશે તમારી દુકાનનું તાળું તૂટેલ છે અને શટર ખુલ્લું છે તેમ ફોન કરી જણાવ્યું હતું. જેથી રાહુલ અને તેના પિતાએ દુકાને પહોંચી જોયું તો સમાન વેરવિખેર હતો અને તોડફોડ થઈ હતી. તેમજ દુકાનના કાઉન્ટરમાં રહેલ રૂ.3 હજાર પણ મળી આવ્યા ન હતા. જેને પગલે બાજુની દુકાનના સીસીટીવી તપાસ કરતા ભોલો અને તેનો મિત્ર રિતેશ બંને લોકો શટર તોડી પ્રવેશ્યા બાદ દુકાનમાં તોડફોડ કરી રૂપિયા ચોરી નાસી છૂટ્યા હોવાનું માલુમ પડ્યું હતું. સમગ્ર બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.