અમરાઈવાડીમાં રૂપિયા વાપરવા માટે નહીં આપતા પત્ની પર હુમલો! મહિલાએ પતિ વિરૂદ્ધ મારામારી, ધમકી સહિતની કલમો હેઠળ નોધાવી ફરિયાદ

શહેરના અમરાઇવાડી વિસ્તારમાં તુ મને પૈસા વાપરવાના નહીં આપે તો તને જાનથી મારી નાખીશ કહી પતિએ પત્ની પર હુમલો કરી દીધો હોવાની ઘટના સામે આવી છે. અમરાઇવાડી વિસ્તારમાં આવેલા શિવાનંદનગરમાં રહેતા 46 વર્ષીય મહિલાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પતિ કલ્પેશ ચૌહાણ વિરૂદ્ધ મારમારી તેમજ ધમકીની ફરિયાદ કરી છે. મહિલાના પ્રથમ લગ્ન ચાંદખેડામાં રહેતા એક વ્યક્તિ સાથે થયા હતા. જેમાં તેમને બે સંતાનો હતા. બન્ને વચ્ચે અણબનાવ બનતા 27 વર્ષ પહેલા મહિલાએ છૂટાછેડા લઇ લીધા હતા.
છૂટાછેડાના બે વર્ષ બાદ મહિલાએ અમરાઇવાડીમાં રહેતા કલ્પેશ ચૌહાણ સાથે બીજા લગ્ન કરી દીધા હતા. મહિલા અને કલ્પેશના ત્રણ સંતાનો છે. મહિલા બાળકો સાથે ઘરે હાજર હતા, ત્યારે કલ્પેશ આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો, તુ મને પૈસા આપ. પતિએ પૈસા માંગતા મહિલા જવાબ આપ્યો હતો કે, તમે મને ઘર ખર્ચ માટે પૈસા આપતા નથી અને મારી પાસે પૈસા માંગો છે. મહિલાનો જવાબ સાંભણીને પતિ કલ્પેશ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલાવા લાગ્યો હતો. મહિલાએ ગાળો બોલવાની ના પાડતા કલ્પેશે તેમને લાફા મારીને માર મારવાનો શરુ કરી દીધો હતો. આ ઘટના જોઇને આસપાસના લોકો દોડી આવ્યા હતા.કલ્પેશ કહેવા લાગ્યો હતો કે, મારું કહ્યું કરતી નથી, મને પૈસા આપતી નથી. જો તુ મને પૈસા નહીં આપે તો હું તને જાનથી મારી નાખીશ.