સગીરાનું અપહરણ કરી તેને લગ્ન માટે અન્ય રાજ્યમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું

કણભામાંથી લાપત્તા થયેલી સગીરા મળી આવતા ખુલાસો થયો
એક સગીર સહિત છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા
સગીરાના લગ્ન રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કરાવીને લાખો રૂપિયા વસુલ કરાતા હતા
અમદાવાદ જિલ્લાના કણભામાં થોડા દિવસ પહેલા ૧૪ વર્ષની સગીરાનું અપહરણ થયું હતું. જે કેસની તપાસનો ભેદ ઉકેલીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં સગીરાનું અપહરણ કરીને તેને ગુજરાતના પડોશી રાજ્યમાં વેચીને ગેરકાયદેસર રીતે લગ્ન કરાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસે એક સગીર અને બે મહિલા સહિત છ આરોપીઓને ઝડપીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક પુછપરછમાં શાહીબાગમાંથી એક સગીરાનું અપહરણ કર્યાની વિગતો બહાર આવતા પોલીસે તેને રાજસ્થાનથી છોડાવીને પરિવારને પરત સોંપી છે. ઝડપાયેલા આરોપીઓ વિરૂદ્વ અમદાવાદ અને ચાણસ્મામાં ચાર ગુના નોંધાઇ ચુક્યા છે. ત્યારે પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના કણભા પોલીસ સ્ટેશનમાં ગત ૧૨મી મેના રોજ એક ૧૪ વર્ષની સગીરાના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે કેસની તપાસ માટે કણભા પોલીસ ઉપરાંત, અમદાવાદ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાંચ અને સ્પેશીયલ ઓપરેશન ગુ્રપની અલગ અલગ ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેમાં હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સને આધારે તપાસ કરીને સગીરાને ગાંધીનગર જિલ્લાના માણસાના બોરૂ ગામથી મોતીભાઇ સેનમાના ઘરેથી છોડાવી હતી. જે બાદ પોલીસે મોતીભાઇની પુછપરછમાં કેટલાક નામ બહાર આવ્યા હતા. જે અનુસંધાનમાં પોલીસે અશોક પટેલ (રહે.અર્બુદાનગર, પંચનાથ મહાદેવ મંદિરની બાજુમાં, ઓઢવ) અને તેની પત્ની રેણુકા, રૂપલ મેકવાન (રહે. ગજાનંદ એપાર્ટમેન્ટ, અર્બુદાનગર ઓઢવ)ને ઝડપી લેવામાં આવ્યા હતા. જે બાદ તેમની પુછપરછમાં અન્ય નામ બહાર આવ્યા હતા. જેના આધારે મુખ્ય આરોપી અશોક પટેલનો સગીર પુત્ર,અમરતજી મણાજી ઠાકોર અને ચેહરસીંગ સોલંકી (બંનેે રહે.સામઢી ગામ, પાલનપુર, બનાસકાંઠા)ન ેપણ ઝડપી લેવામાં આવ્યા હતા.
જે બાદ તબક્કાવાર કરવામાં આવેલી પુછપરછમાં હ્યુમન ટ્રાફિકનો સૌથી મોટો ખુલાસો થયો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપી અશોક પટેલ તેની પત્ની અને સગીર પુત્ર સાથે મળીને સમગ્ર કૌભાંડ ચલાવતા હતા. જેમાં ચોક્કસ સગીરાના ટારગેટ કરીને તેનું અપહરણ કરીને તેના પર બળાત્કાર ગુજારવામાં આવતો હતો. જે બાદ તે સગીરાના માનસિક રીતે તોડી નાખીને તેને ધમકાવવામાં આવતી હતી કે જો તે ઘરે પરત જશે તો તેના માતા પિતાની બદનામી થશે. જે બાદ બનાસકાંઠાના સામઢી ગામમાં રહેતા અમરતજી અને ચેહરસીંગની મદદથી રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં સગીરાઓના ગેરકાયદેસર લગ્ન કરાવીને તેની પાસેથી ચોરી કરાવવવાનું કૌભાંડ ચલાવતી ગેંગને વેચી દેતા હતા. પુછપરછમાં શાહીબાગમાથી પણ એક સગીરાનું અપહરણ કરાયાના ગુનાનો ભેદ ઉકેલાયો હતો અને તને પોલીસે રાજસ્થાનથી છોડાવી છે.આ અંગે અમદાવાદ જિલ્લાના પોલીસ વડા અમિત વસાવાએ જણાવ્યું કે ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. ખાસ કરીને રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં સગીરાને ગેરકાયદેસર રીતે લગ્ન કરાવી કે અન્ય ગેરકાયદેસર પ્રવૃતિ કરાવતી ગેંગ અંગે તપાસ કરવામાં આવશે.
મુખ્ય આરોપી પોતાના પુત્રને સગીરા પર બળાત્કાર કરાવતો હતો
પોલીસે આરોપીઓની પુછપરછ કરી ત્યારે એક પછી એક વિગતો બહાર આવી હતી. જેમાં અશોક પટેલ અને તેની પત્ની મુખ્ય સુત્રધાર હોવાની સાથે તેના સગીર વયના પુત્રનો પણ આ ગુનામાં ઉપયોગ કરતા હતા. જેમાં અપહરણ કર્યા બાદ તે સગીરા પર અશોકનો પુત્ર અને અશોક શારિરીક સંબધો બાંધતા હતા. જેના કારણે સગીરા માનસિક રીતે તુટી જતી હતી અને તેને રાજસ્થાનની ગેંગને વેચી દેતા હતા. એક વર્ષ પહેલા અશોક અને તેની પત્ની શાહીબાગમાંથી સગીરાનું અપહરણ કર્યું હતું. રાજસ્થાનની ગેંગ તેનો લૂંટેરી દુલ્હન તરીકે ઉપયોગ કરતી હતી.
રાજસ્થાનના એક દલાલ અંગે પોલીસને લીડ મળી
અશોકની પુછપરછમાં પોલીસને મહત્વની વિગતો પણ મળી છે. જેમાં રાજસ્થાનમાં સગીરાના ગેરકાયદેસર લગ્ન કરાવતી ગેંગ વતી કામ કરતા એક દલાલનું નામ બહાર આવ્યું છે. જે ગુજરાતમાં સગીરાઓના અપહરણને અંજામ આપતી વિવિધ ગેંગ સાથે સંકળાયેલો છે. તેની ધરપકડ બાદ ગુજરાતમાંથી સગીરાના અપહરણના અન્ય કેસને લઇને અનેક સ્ફોટક વિગતો બહાર આવશે.