માદક પદાર્થ વેચાણનો વિડિયો વાયરલ થતા પોલીસની કામગીરી ઉઠ્યા સવાલો! ૯ સેકન્ડના વીડિયોમાં માદક પદાર્થના વેચાણના દ્રશ્યો સામે આવતા ખળભળાટ

વિડિયોના આધારે પોલીસ પગલાં લે તો માદક પદાર્થ વેચાણ કરતા મોટા માથાઓની સંડોવણી સામે આવે તેવી સંભાવના
સોશ્યલ મીડિયા પર માદક પદાર્થ વેચાણ થતો હોવાનો એક કથિત વિડિયો વાયરલ થયો. વિડિયોમાં શખ્સ સફેદ પાવડર જેવો માદક પદાર્થ વજન કાંટા પર પર તોલી પ્લાસ્ટિકની પડીકીમાં પેક કરી આપતા હોવાનુ દેખાઈ રહ્યું છે. શહેરમાં પોલીસની અલગ અલગ ડ્રાઈવો યોજાય છે તેમ છતાં પણ આવો વિડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વિડિયો બાપુનગરની મણીલાલની ચાલી નજીક આવેલ એક કારખાનાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ યુવકોના નામ સલમાન એટી, સમીર પૂરી, નિયાઝ અહેમદ અને સલીમ અને તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની પણ ચર્ચા છે. અત્રે ઉલ્લખનીય છે શહેરમાં ગેરકાયદે ચાલતા ગોરખધંધા પર ક્રાઇમ બ્રાંચ, એસઑજી , પીસીબી, એસએમસી સહિતની એજન્સીઓ દરોડો પાડી ગોરખ ધંધા બંધ કરાવે છે સાથે જ જવાબદારો સામે પગલાં ભરવામાં આવતા હોય છે. બધાની વચ્ચે હજુ પોલીસે પૂર્વ વિસ્તારમાં થોડા દિવસો અગાઉ એનડીપીએસની ડ્રાઇવ યોજી હતી. પરંતુ આ માદક પદાર્થનો વિડિયો વાયરલ થતા પોલીસની શાખ પર સવાલો ઉઠાવી દીધા. જોવાનું એ રહ્યું કે ઉચ્ચ અધિકારીઓને આ બાબતની જાણ થશે તો શું કાર્યવાહી કરવામાં આવશે. બીજીબાજુ વિડિયોના આધારે પોલીસ પગલાં લે તો માદક પદાર્થ વેચાણ કરતા મોટા માથાઓની સંડોવણી સામે આવે તેવી સંભાવના જોવા મળી રહી છે.
લોકમુખે ચાલતી ચર્ચા મુજબ શહેરમાં બેરોકટોક વેચાઈ રહેલા આ સફેદ પાવડર જેવા માદક પદાર્થને ડીપર (ડ્રગ) તરીકે સંબોધવામાં આવે છે, જેનો મતલબ ડીપ એટલે કે છેક અંદર સુધી તેનો નશો કરાવે છે, આમ યુવાનોને ડીપરના નામે ડ્રગ્સના બંધાણી બનાવી રહેલા અસામાજિક તત્વો સામે કડકાઈ દાખવવામાં પોલીસ નબળી પુરવાર થઈ રહી હોય તેવી હાલત વિડિયો થકી જોવા મળી રહી છે. કારણ કે પેડલરો ખુલ્લેઆમ મોતના સામાનનું વેચાણ કરતા હોવાનું વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જેને કારણે શહેર પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
એક પડીકી (ડીપર) બે હજાર માં વેચાતી હોવાની ચર્ચા
૯ સેકન્ડના વિડિયોમાં દેખાતા માદક પદાર્થની એક પડીકી રૂ.૨ હજારમાં વેચાતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. એટલું જ નહિ આ વેપાર છેલ્લા ઘણા સમયથી ચાલતો હોવાની પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે. જોકે પોલીસ જાણે કે આ બાબતે અજાણ હોય તેમ ચલાવે રાખતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં નહિ આવે તો યુવાધન નશાનાં રવાડે બરબાદ થતું રહેશે.