શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં હથિયારની અણીએ 46ની લાખની લૂંટ અને ફાયરિંગ, આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે તપાસમાં પહોંચી
આસપાસના પોલીસ સ્ટેશનને સતર્ક કરવામાં આવ્યા
શહેરના કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલ ઉભા થયા છે. વિશેષ કરીને અમદાવાદ પૂર્વ વિસ્તારોમાં ગુનાઓનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. ત્યારે મોડી સાંજે શહેરકોટડા વિસ્તારમાં ફાયરિંગ સાથે લૂંટની ઘટના થતા ચકચાર મચી ગઇ છે. શહેરના પૂર્વ વિસ્તારોમાં પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય, તેમ ગુનેગારો એક પછી એક ગુનાને અંજામ આપી રહ્યાં છે. એવામાં શહેરના શહેરકોટડા વિસ્તારમાં બંદૂકની અણીએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 46.51 લાખ રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે.
શહેર કોટડા વિસ્તારમાં આવેલ યોગેશ્વર પાર્ક ખાતે મહેન્દ્ર ભાઈ મણીલાલ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે.અને બાપુનગરમાં ડાયમંડ માર્કેટ ખાતે આવેલ વિષ્ણુ કાંતિ આંગડિયા પેઢીમાં છેલ્લા ૨૦ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવે છે. નિત્યા ક્રમ મુજબ સાંજના સમયે તેઓ પોતાની આંગડિયા પેઢી ખાતે હાજર હતા.બાદમાં મહેન્દ્રભાઈ ઘરે પરત ફરી રહ્યા હતા.તે સમય દરમિયાન તેમની પાસે અંદાજિત 46.51 લાખની રોકડ હતી.ત્યારે બાઈક પર ૩ શખ્સો એ પીછો કરી મહેન્દ્રભાઈ ઘર પાસે પહોંચતા આ શખસોએ તેમના લમણે હથિયાર રાખી ધમકાવી તેમની પાસે રહેલ રોકડ ઝૂંટવી લીધી હતી.જેથી બુમાબૂમ થતા લૂંટારુઓએ જમીનમાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.સમગ્ર બનાવ સામે આવતા શહેર કોટડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચએ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ ના આધારે લૂંટારુઓ ને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઉલ્લેખનિય છે કે પોલીસે ઘટના સ્થળેથી ફાયરિંગ કરાયેલ કારતૂસ ને કબજે લઈ તપાસ અર્થે મોકલી આપ્યા છે.