રાજ્યમાં ઇ-ગ્રામ સેન્ટર પરથી બિઝનેસ ટુ સિટીઝન સેવા અંતર્ગત છેલ્લાં ૬ વર્ષમાં રૂ. ૪૩૪ કરોડથી વધુના ડિજીટલ વ્યવહાર થયા

0
રાજ્યમાં ઇ-ગ્રામ સેન્ટર પરથી બિઝનેસ ટુ સિટીઝન સેવા અંતર્ગત છેલ્લાં ૬ વર્ષમાં રૂ. ૪૩૪ કરોડથી વધુના ડિજીટલ વ્યવહાર થયા
Views: 35
0 0
Spread the love
Read Time:15 Minute, 11 Second

ઇ-ગ્રામ સેન્ટર –  ઘર આંગણે  ઉપલબ્ધ બની સરકારી સેવાઓ

ચાલું વર્ષ B2C સેવા અંતર્ગત  અત્યાર સુધીમાં રૂ. ૩૨.૧૯ કરોડના ડિજીટલ વ્યવહાર થયા

રાજ્યમાં કુલ ૧૪,૧૮૧ ઇ-ગ્રામ સેન્ટરમાં ૧૩,૬૯૩ વી.સી.ઇ. કાર્યરત

રાજયમાં કુલ ૧૦૦૦ અદ્યતન સુવિધા-યુક્ત સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટર

ઇ-ગ્રામ સેન્ટરમાં ૩૨૫ જેટલી ‘ગર્વમેન્ટ ટુ સિટીઝન’ અને ૭૫ જેટલી ‘બિઝનેસ ટુ સિટીઝન’ની સેવાઓ ઉપલબ્ધ

 અમદાવાદમાં ૪૬૮ ગ્રામ પંચાયતોમાં ૪૬૫ વી.સી.ઈ.
 અમદાવાદ જિલ્લામાં કુલ ૩૬ અદ્યતન સુવિધાયુક્ત સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટર
 અમદાવાદ જિલ્લામાં B2C સેવા અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૧.૭૮ કરોડના ડિજીટલ વ્યવહાર થયા
 રાજ્યમાં અમદાવાદ જિલ્લાની સૌથી શ્રેષ્ઠ કામગીરી – કુલ ૧૦.૫૩ લાખ ઈ-શ્રમ કાર્ડ તેમજ ૧૭.૪૪ લાખ લાભાર્થીઓને PMJAY-મા કાર્ડ અપાયા

ગ્રામ્ય નાગરિકોને સરકારી કામકાજને લગતી ઓનલાઇન સુવિધાઓ ગામમાં જ આપીને વિકાસમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ અને શહેરી – ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનું ટેકનોલોજીકલ અંતર દૂર કરી ગ્રામ્ય નાગરિકોને સશક્ત કરીને તેમની ભાગીદારી વધારવાના હેતુથી “ઇ-ગ્રામ વિશ્વગ્રામ” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ગ્રામ પંચાયત સ્તરે જરૂરી પ્રાથમિક માળખાગત સુવિધાઓ આપીને સરકારની તમામ ઓનલાઇન સેવાઓ પુરી પાડવા માટેનો એકમ સ્થાપવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં કુલ ૧૪,૧૮૧ ઇ-ગ્રામ સેન્ટરમાં ૧૬,૬૯૩ વી.સી.ઇ (વિલેજ કોમ્યુટર આંત્રપ્રિન્યોર) કાર્યરત છે. રાજ્યમાં કુલ ૧૦૦૦ જેટલા અદ્યતન સુવિધાયુક્ત સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટર છે. આ ઇ-ગ્રામ સેન્ટરમાં ૩૨૫ જેટલી ‘ગર્વમેન્ટ ટુ સિટીઝન’ અને ૭૫ જેટલી ‘બિઝનેસ ટુ સિટીઝન’ સેવાઓ રાજ્યના નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રાજ્યમાં ઇ-ગ્રામ સેન્ટર પરથી વર્ષ ૨૦૧૭-૧૮ થી લઇને વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૪૩૪ કરોડથી વધુના ડિજીટલ વ્યવહાર થયા છે. જ્યારે ચાલું વર્ષ ૨૦૨૩-૨૪માં અત્યાર સુધીમાં ઇ-ગ્રામ સેન્ટર પરથી રૂ. ૩૨.૧૯ કરોડના ડિજીટલ વ્યવહાર થઇ ચૂક્યા છે.

જ્યારે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો, અમદાવાદમાં ૪૬૮ જેટલી ગ્રામ પંચાયતોમાં કુલ ૪૬૫ વી.સી.ઈ. હાલમાં કાર્યરત છે. અમદાવાદ જિલ્લામાં કુલ ૩૬ અદ્યતન સુવિધાયુક્ત સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટર છે. એટલું જ નહીં, અમદાવાદ જિલ્લામાં ઈ-ગ્રામ પોર્ટલ પર B2C સેવાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૧.૭૮ કરોડના ડિજીટલ વ્યવહાર કરવામાં થયા છે.

આ અંગે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે કહે છે કે, જિલ્લામાં  કુલ ૩૬ અદ્યતન સુવિધાયુ્ક્ત સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટર ઉપર વિવિધ સરકારી સેવાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. ઇ-ગ્રામ સેન્ટર થકી તાલુકા મથકે ગયા વિના ગામમાં જ સરકારી સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

અમદાવાદના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિરલબેન દેસાઇના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં ૪૬૮ ગ્રામ પંચાયતોમાં ૪૬૫ વી.સી.ઈ. હાલમાં કાર્યરત છે. અમદાવાદ જિલ્લાની તમામ ૪૬૮ ગ્રામ પંચાયતો ભારત બ્રોડ બેન્ડ નેટવર્ક લિમિટેડ ઓપ્ટીક ફાઈબરથી સંપૂર્ણ રીતે જોડાયેલી છે. ગત વર્ષે વી.સી.ઈ. દ્વારા RoR પોર્ટલ પરથી ગામ લોકોને જરૂરીયાત મુજબ ગામના નમુના નં. ૭-૧૨,  ૮-અ અને ૬ કાઢી આપવામાં આવ્યા છે, જેના દ્વારા વી.સી.ઈ.ની આવકનો અલગથી સ્ત્રોત ઉભો થયેલો છે.

આ ઉપરાંત ઈ-ગ્રામ પોર્ટલ પર B2C સેવાઓ (બિલ કલેક્શન (GEB, GSPC ગેસ), વિમાન, રેલ્વે અને બસ ટિકિટ નોધણી, મોબાઇલ રિચાર્જ અને પોસ્ટપેડ બિલ ચૂકવણી, DTH રિચાર્જ, વીમા બેંકિંગ સેવાઓ) દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૧.૭૮ કરોડના ડિજીટલ વ્યવહાર થયા છે. જાન્યુઆરી-૨૦૨૨થી અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લાની ૩૬ ગ્રામ પંચાયતો ખાતે આધાર કીટ સાથેના સ્માર્ટ ઈ-ગ્રામ કેન્‍દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો દ્વારા ગ્રામજનો સરળતાથી ડિજીટલ સેવાનો લાભ ગ્રામ પંચાયતમાંથી મેળવી શકે છે. ભારતનેટની 100 MBPS ઇન્ટરનેટ સ્પીડની સુવિધાથી વી.સી.ઈ. દ્વારા વિવિધ G2G (ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ) અને G2C (ગવર્નમેન્ટ ટુ સિટિઝન) પ્રકારની ડિજિટલ સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ સ્થપાયેલા ઇ-ગ્રામ સેન્ટરોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, પ્રિન્ટર, સ્કેનર, વેબકેમેરા અને ફિંગરપ્રિન્ટ ડીવાઇસ સહિતની સુવિધાઓ હોય છે તેમજ સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટરોમાં કલર પ્રિન્ટર, લેમિનેશન, પીવાનું આર.ઓ. પાણી, બેસવાની સુવિધા, જુદી-જુદી અરજીઓ માટે અલગ-અલગ બુથ જેવી વિશેષ સુવિધાઓ હોય છે. ગ્રામીણ યુવાનોને સ્વરોજગારીની તક મળે એ માટે આ યોજનાનું સેન્ટર પી.પી.પી. ધોરણે સ્થાપવામાં આવે છે અને અરજદારો દ્વારા થતી અરજીઓની સંખ્યા મુજબ વિલેજ કમ્પ્યુટર આંત્રપ્રિન્યોરને પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. આ સેન્ટર સ્થાપવા માટે જે-તે ગ્રામ પંચાયત દ્વારા મંજૂરી આપવામાં આવે છે. આ સેન્ટર દ્વારા સરકાર અને નાગરિકો વચ્ચેની સેવાઓ પુરી પાડવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની સ્થાપના

સરકાર દ્વારા તમામ વિભાગો અને નિગમો સાથે સંકલન સ્થાપીને ઇ-ગ્રામ સેન્ટરો ખાતે તમામ સુવિધાઓ પુરી પાડવા અને યોજનાના અસરકારક અમલીકરણ માટે ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. ઇ-ગ્રામ સેન્ટરના સુચારૂ વ્યવસ્થાપન માટે ટેકનિકલ સપોર્ટ એન્ડ ટ્રેનિંગ સર્વિસ પ્રોવાઇડર નિયુક્ત કરવામાં આવે છે, જે સેન્ટરની નિયમિત માસિક મુલાકાત, સોફ્ટવેર ડેવલપમેન્ટ, ઇન્ટરનેટ જોડાણ, સાધનોની દેખરેખ, નવી સુવિધાઓ માટે વી.સી.ઈ.ને ટ્રેનિંગ, પ્રિન્ટર વગેરે સાધનો માટે જરૂરી વસ્તુઓ પુરી પાડવા માટે સંકલન, રીપોર્ટીંગ વગેરે કામગીરી કરે છે.

ઇ-ગ્રામ સેન્ટરોમાં ઉપલબ્ધ સુવિધાઓ :

ઇ-ગ્રામ સેન્ટરોમાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ હેઠળ રેશનકાર્ડનું સોગંદનામું, નામ ઉમેરવા, ડુપ્લિકેટ રેશનકાર્ડ, નવા રેશનકાર્ડ, કાર્ડમાં સુધારો, નામ બદલવા, નામ રદ કરવા સહિતની અરજીઓ, ગૃહ વિભાગ અંતર્ગત વાંધા પ્રમાણપત્ર, ઘરઘાટી, ડ્રાઇવર, ભાડુઆતની નોંધણી, એફ.આઇ.આરની નકલ, પોલીસ ચકાસણી પ્રામાણપત્ર, સિનિયર સિટીઝન નોંધણીની અરજી, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત આવક અંગેનું સોગંદનામું, આવકનો દાખલો, વરીષ્ઠ નાગરિક તેમજ અધિનિવાસ પ્રમાણપત્રની અરજીઓ, બંદરો અને વાહનવ્યવહાર વિભાગ અંતર્ગત નવો પાસ, ટિકિટ બુકિંગ કે રદ કરવા, મુસાફર પાસ રીન્યુ માટે અરજીઓ, મહેસૂલ વિભાગ અંતર્ગત ઇ-ચલન, હકપત્રક ગામ નમુના નં. ૬, ગામ નમુના નં. ૭, ૮ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરી શકાય છે.

આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિધવા સહાય આવક સોગંદનામુ, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના, વહાલી દીકરી યોજના, વિધવા હોવા અંગે પ્રમાણપત્રની અરજી, સામજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થીક સહાય યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટમોચન) યોજના, દિવ્યાંગ પાસ યોજના, સંત સુરદાસ યોજના, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના, જાતિ અંગે સોગંદનામું, ભાષાકીય, ધાર્મિક લઘુમતી, વિચરતી વિમુક્ત જાતિ, બિનઅનામત વર્ગોના પ્રમાણપત્ર, સમરસ છત્રાલય પ્રવેશની અરજી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત જન્મ, મૃત્યુના પ્રમાણપત્રની અરજી, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અંતર્ગત વીજ બિલ ચુકવણી કરી શકાય છે. તેમજ બિઝનેસ ટુ કસ્ટમર (બીટુસી) સેવાઓ અંતર્ગત રેલવે, એરલાઇન, બસ ટીકિટ બુકિંગ, ટેલિફોન, મોબાઇલ, ડી.ટી.એચ., ગેસના બિલ પેમેન્ટ તથા વીમા, બેંકિંગ સેવાઓ આપવામાં આવે છે.

અમદાવાદ જિલ્લામાં ૧૭.૪૪ લાખ લાભાર્થીઓને PMJAY-મા કાર્ડ અપાયા

અમદાવાદ જિલ્લામાં ૧૭.૪૫ લાખ લાભાર્થીઓમાંથી ૧૭.૪૪ લાખ લાભાર્થીઓને PMJAY – મા કાર્ડ માટેના અપ્રૂવલ આપીને PMJAY-મા કાર્ડ બનાવી આપવામાં આવ્યાં છે.

રાજ્યમાં અમદાવાદ જિલ્લાની સૌથી શ્રેષ્ઠ કામગીરી – કુલ ૧૦.૫૩ લાખ ઈ-શ્રમ કાર્ડ અપાયા

રાજ્યમાં ઇ-શ્રમ કાર્ડને લઇને અમદાવાદ જિલ્લા દ્વારા સૌથી શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ઈ-શ્રમ યોજનાની શરૂઆતથી લઈ આજ દિન સુધી કુલ ૧૦.૫૩ લાખ ઈ-શ્રમ કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે.   

આ યોજનાને વધુ સુદ્રઢ કરવા તેમજ તેનો વ્યાપ વધારવા બજેટમાં ૧૬૦ કરોડની જોગવાઇ

ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના થકી ગ્રામ્ય લોકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી તેમના ગામમાં જ મેળવી શકે છે. હાલમાં આ યોજના અંતર્ગત મળનાર સેવાઓની સંખ્યા વધીને ૩૨૧ થયેલ છે. દર વર્ષે અંદાજિત ૪.૫ કરોડ વ્યવહારો આ નેટવર્ક મારફત થાય છે. જે ડિજિટલ ગવર્નન્સની દિશામાં મોટી હરણફાળ છે. આ યોજનાને વધુ સુદ્રઢ કરવા તેમજ તેનો વ્યાપ વધારવા ૧૬૦ કરોડની જોગવાઇ. 

આજે મારી આવક અને ગામમાં મારા સ્ટેટસમાં વધારો થયો છે –  નકુમ રાજેશકુમાર

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના નાનીબોરૂ ગામના વી.સી.ઇ. નકુમ રાજેશકુમારે કહ્યું કે,  રાજ્ય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ થકી સ્થાનિક કક્ષાએ જ તમામ વી.સી.ઇ.ને વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો ઉપલબ્ધ કરેલ છે. નાનીબોરૂ વસ્તીની દૃષ્ટીએ નાનુ ગામ છે. ઈ-ગ્રામમાં ઘણી બધી સેવાઓ આપીને આવક મેળવવાનો સ્કોપ હતો, જેથી મેં ઈ-ગ્રામમાં ઘણી બધી સેવાઓ આપવાનું ચાલુ કર્યું. આજે મારી આવક અને ગામમાં મારા સ્ટેટસમાં વધારો થયો છે, જેનો મને ગર્વ છે. અત્યારે હું ગામ નમુના નં ૭-૧૨, ૮ અ અને નં-૬, લાઇટબીલ કલેક્શન, પી.ડી.એસ(રેશનકાર્ડ કૂપન), પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, એસ.બી.આઇ. કિઓસ્ક બેન્કિંગ, જન્મ-મરણના પ્રમાણપત્ર, ઓનલાઇન એપ્લિકે્શન,  મોબાઇલ રિચાર્જ (બધા જ કનેક્શન), ડી.ટી.એચ રિચાર્જ, પોસ્ટપેઇડ બિલિંગ (બધા જ કનેક્શન), કલર ફોટોગ્રાફસ, કલર ઝેરોક્ષ – સાદી ઝેરોક્ષ, લેમીનેશન આ મુજબની સર્વિસીસ ગામમાં આપી રહ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે, આ મુજબની સર્વિસીસ ઉપરાંત ખેડૂત રજીસ્ટ્રેશન, ખેડુતો માટેની ઓનલાઈન અરજી,  વિદ્યાર્થીઓનાં ઓનલાઈન ફોર્મ-રીઝલ્ટ જેવી સેવાઓ પૂરી પાડીને ગામ લોકોની સુવિધાઓમાં વધારો કર્યો છે. જેનાથી મારી આવકમાં પણ વધારો થયો છે. ઈ-ગ્રામ એ આવક મેળવવા માટેનું સરસ પ્લેટફોર્મ છે. આ યોજના ચાલું કરવા માટે સરકારનો ખુબ-ખુબ આભાર માનું છું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »