બલ્કમાં દુધ આપવાનુ કહી વેપારી પાસે 50 લાખની ઠગાઇ કરનાર પાંચ સામે ફરિયાદ

50 લાખ ડિપોઝીટ પેટે લઇ લીધા અને દુધ ન આપ્યું, ચેક આપ્યા તે પણ રિર્ટન થયા
બાપુનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
બલ્કમાં સારું દુધ આપવાનું કહી પાંચ ઠગોએ દુધના વેપારી પાસેથી 50 લાખ ડિપોઝીટ પેટે લીધા હતા. પરંતુ ઠગોએ દુધ આપ્યું ન હતું અને ત્યારબાદ ડિપોઝીટ પરત આપવાનું કહી ચેકો આપ્યા હતા. તે ચેક પણ રિર્ટન થયા હતા. અંતે વેપારીએ આ મામલે પાંચ લોકો સામે બાપુનગર પોલીસ મથકમાં કરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના નિકોલ વિસ્તારમાં 38 વર્ષિય નયન દશરથભાઇ પટેલ પરિવાર સાથે રહે છે અને બાપુનગરમાં શાયોના ડેરી પાર્લરની દુકાન ધરાવે છે. ઉપરાંત ઓઢવ ખાતે પટેલ મિલ્ક પ્રોડક્ટ નામની ફેક્ટરી ધરાવે છે. સપ્ટે. 2021ના રોજ નયન પોતાની શાયોના ડેરી પાર્લર પર હાજર હતા. ત્યારે અમરતભાઇ માલજીભાઇ રબારી, રાજુ વીરમભાઇ રબારી, વાઘા વીરામભાઇ રબેરી, ગકુર રબારી અને દિનેશ રબારી મળવા આવ્યા હતા. જ્યાં પાંચેએ જણાવ્યું હતું કે, અમે દુધના ધંધા સાથે સંકળાયેલા છીએ અને ભાગીદારો છીએ. દેવકરણના મુવાડા ખાતે દુધ સેન્ટર છે ત્યાં દુધ સારી ક્વોલીટીનું આવેછે અને તમને ગાંધીનગર સંઘ કરતા પણ સસ્તુ તથા સારું દુધ આપીશું. જેથી નયન દેવકરણના મુવાડા દુધ સેન્ટર જોવા ગયો હતો. જ્યાં દુધની ક્વોલીટી સારી લાગતા રોજના સવારે 30 અને સાંજે 25 એમ 55 કેન દુધ લેવાનું નક્કી કર્યું હતું.
તે સમયે ડિપોઝીટ પેટે 50 લાખ નક્કી કર્યા હતા. ઉપરાંત દુધનું બિલ દર દસ દિવસે બનશે જેમાંથી 1.40 લાખ ડિપોઝીટમાંથી કાપવામાં આવશે તેમ જણાવ્યું હતું. પછી 15 સપ્ટે. 2021 અને 25 ઓક્ટોબર 2021ના રોજ ડિપોઝીટના 50 લાખ બે તબક્કે લઇ ગયા હતા. થોડા જ મહિના બાદ રાજુ રબારીએ જણાવ્યું હતું કે, હાલ દુધ આપી શકીશુ નહીં થોડા સમય પછી દુધ ચાલુ કરી દઇશું. પરંતુ દુધ ચાલુ કર્યું ન હતું. જેથી નયને ડિપોઝીટના પૈસા પરત માગ્યા હતા. પરંતુ ગલ્લાં તલ્લાં કર્યા હતા. ત્યારબાદ પાંચે લોકોએ જુદી જુદી બેંકના ચેકો આપ્યા હતા. પરંતુ તે ચેકો રિર્ટન ગયા હતા. જેથી આ મામલે નયને તેમનીસાથે વાત કરતા થોડા સમયમાં પૈસા આપી દઇશું તેમ જણાવ્યું હતું. પરંતુ પૈસા મળ્યા ન હતા. ઉપરાંત ચેક પણ રિર્ટન જતા આ મામલે નયને ચેક રિર્ટનનો કેસ કર્યો હતો. ત્યાર ત્યારબાદ નયને અમરતભાઇ માલજીભાઇ રબારી, રાજુ વીરમભાઇ રબારી, વાઘા વીરામભાઇ રબેરી, ગફુર રબારી અને દિનેશ રબારી સામે ઠગાઇની કરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.