પ્રેમલગ્નમાં વાલીની મંજૂરી જરૂરી: મુખ્યમંત્રી

ધારાસભ્ય ઇમરાન ખેડવાલાએ આપ્યું સમર્થન
મહેસાણા ખાતે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, બંધારણ નડે નહીં તે રીતે પ્રેમલગ્ન અંગે અભ્યાસ કરીશું
સરકાર કડક કાયદો લાવે વિધાનસભા ગૃહમાં જો આ બિલ રજૂ થશે તો મારૂ સમર્થન છેઃ ઈમરાન ખેડાવાલા

મહેસાણામાં સરદાર પટેલ સેવાદળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોકરીઓને ભગાડી જવાના બનાવો અટકાવવા બાબતે પણ ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવાની હૈયાધારણ આપી હતી. તેમણે કહ્યું હતું આ બાબતે પણ અભ્યાસ કરી સારૂ પરિણામ મળી શકે તેવા પ્રયત્નો કરીશું. તેમણે ગુજરાતમાં પ્રેમલગ્નમાં વાલીઓની મંજૂરી ફરજિયાત થઈ શકે છે તેવા સંકેતો આપ્યા છે.

ઈમરાન ખેડાવાલાએ ટ્વિટ કરીને સમર્થન કર્યું
મુખ્યમંત્રીના આ નિવેદન બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ સમર્થન આપવાની વાત કરી હતી. ખેડાવાલાએ કહ્યું હતું કે, વિધાનસભા ગૃહમાં જો આ બિલ રજૂ થશે તો મારૂ સમર્થન છે. સરકાર વિધાનસભામાં આ બાબતે કડક કાયજો લાવે. આજના સમયમાં આ તાતી જરૂરિયાત છે. પ્રેમ લગ્નમાં માતાપિતાની અવગણના કરવામાં આવે છે ત્યારે બંધારણ ના નડે એ રીતે પ્રેમ લગ્ન બાબતે ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવા સરકાર વિચાર કરી રહી છે. લવ મેરેજમાં વાલીની મંજૂરી ફરજિયાત કરવા અંગે અભ્યાસ કરવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે ત્યારે પ્રેમ લગ્ન મા-બાપની સંમતિથી થાય આ પ્રકારનો કાયદો બનાવવાની વાત મુખ્યમંત્રીએ એક કાર્યક્રમમાં કરી છે. જો સરકાર આવો કાયદો વિધાનસભા સત્રમાં બિલ લાવી બનાવે તો સરકારને મારું સમર્થન છે.18-20 વર્ષ સુધી માતા પિતા દીકરી ને ઉછેરે અને પ્રેમમાં પાગલ યુવતી કોઈ પણ બેરોજગાર, કોઈ પણ વ્યસની, કોઈ પણ નાપસંદ યુવક સાથે લગ્ન કરી જિંદગી બરબાદ કરે છે.
નીતિન પટેલ પણ સીએમના સમર્થનમાં
બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, હાલમાં દીકરીઓમાં બે પ્રકારના પ્રશ્નો છે. જેમાં એક લવ જેહાદનો પ્રશ્ન છે જે સમગ્ર દેશમાં છે. તેમણે કહ્યું કે, હિન્દુ ધર્મની દીકરીઓને લલચાલી ફોસલાવી ખોટું નામ અને ધંધો બતાવી તેમજ દીકરીને તે હિન્દુ છે તેવું બતાવી વિધર્મી યુવકો દીકરીને છેતરીને લઈ જાય છે. તે દીકરી સાથે લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરે છે. તેમણે કહ્યું કે, બીજા કિસ્સામાં આપણા જ લોકો દીકરીઓને ભોળવીને લગ્ન કરી લે છે અને મા બાપને વાત કરતા નથી અને પરિવારની સંમતિ લીધા વિના ભાગી જાય છે. જે તમામ બાબત અટકાવવા દરેક સમાજે સરકારમાં રજૂઆત કરી છે.