મોરબી : મોરબીમાં કોરોના કાળના લાંબા અંતરાલ બાદ હવે જનજીવન સામાન્ય બની ગયું છે. લોકોમાં પુસ્તકો વાંચવા માટે વૃત્તિ કેળવાય તે માટે ત્રણ વર્ષથી ચાલતું પુસ્તક પરબ પણ ફરીથી ધમધમી ઉઠ્યું છે. રવિવારે ચાલીસ માં પુસ્તક પરબમાં વાંચનપ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને વૈવિધ્યસભર પુસ્તકો વાંચીને વાંચન તૃષા તૃપ્ત કરી હતી.
મોરબીના સરદાર બાદમાં છેલ્લા ત્રણ વર્ષથી પુસ્તક પરબની ટીમ દ્વારા દર મહિના ના પ્રથમ રવિવારે પુસ્તક પરબ યોજાય છે. જેમાં લોકોને વાંચવા માટે પુસ્તકોનો મોટો ખજાનો ખુલ્લો મુકવામાં આવે છે. ત્યારે કોરોના કાળના લાંબા વેકેશન બાદ હવે પુસ્તક.પરબ શરૂ થયું છે. જેમાં રવિવારે યોજાયેલા 40 માં પુસ્તક પરબમાં વાંચકોની ભૂખ ઉઘડી હોય એમ મોટી સંખ્યામાં પુસ્તક પ્રેમીઓ ઉમટી પડી પોતાને મનગમતા પુસ્તકો ઘરે વાંચવા માટે લઈ ગયા હતા.
પુસ્તક પરબમાં સાહિત્ય, કળા, દેશદાઝ, મહાપુરુષો, સ્વતંત્રતા, બાળકો તેમજ મહિલાઓ અને ધાર્મિક-અધ્યાત્મીક સહિતના તમામ વિષયના અંદાજે 3 હજાર જેટલા પુસ્તકો છે. પુસ્તક પરબની ટીમ દ્વારા બે ચાર વાંચકોથી શરૂ કરેલું આ અભિયાન હવે વટવૃક્ષ બની જતા નિયમિત હજારો જેટલા વાંચકો છે. આ પુસ્તક પરબને હવે ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.