• આ રસ્તો માત્ર અધિકારીઓની ફાઇલોમાં કાગળ પર જ બન્યો છે : ગામલોકો
• રસ્તો બન્યો હોવાનું પુરવાર કરીને તેના પૈસા પણ ચુકવી દેવામાં આવ્યા
નડિયાદ: આજ સુધી તમે અલગ અલગ પ્રકારની ચોરી વિશે સાંભળ્યું હશે! ધન-સંપત્તિ ચોરાવી, અગત્યના દસ્તાવેજો ચોરાવા, બાળકો ચોરાવા આ બધી બાબતો હવે જૂની થઈ. રાજયમાં નડિયાદ પાસે એક અનોખી ચોરી થઈ છે જે વિશે તમે સ્વપ્નમાં પણ વિચારી ના શકો.
જી હા, નડિયાદમાં રૂપિયા ૪૮ લાખ ૯૨ હજારનો આખે આખો રોડ ચોરાઈ ગયો. આજે તંત્રમાં એટલી હદે ભ્રષ્ટ્રાચાર વ્યાપ્યો છે કે કોણ ક્યારે શું ખાઈ જતું હોય છે એ નક્કી જ નથી હોતું, સરકારીબાબુઓ કે નેતાઓ લાંચ કે રૂપિયા ખાઈ જાય એ હવે સાવ સામાન્ય ઘટના ગણાય છે. કળિયુગમાં કોઈક નાની મોટી ચોરી એ પણ હવે નવાઈની વાત નથી રહી પણ લાખો રૂપિયાના ખર્ચે બનેલો આખો રોડ કોઈ ચોરી જાય એવું ક્યાય સાંભળ્યુ છે ? પણ કેટલાક કોન્ટ્રાક્ટરોએ અધિકારીઓની મેળવણીથી લાખો રૂપિયાનો રસ્તો જ ગાયબ કરી દીધાનો કિસ્સો સામે આવ્યો છે. આ રસ્તો સ્થળ પર નથી બન્યો પરંતુ માત્ર અધિકારીઓની ફાઇલોમાં જ કાગળ પર બન્યો છે. રસ્તો બન્યો હોવાનું પુરવાર કરીને તેના પૈસા પણ ચુકવી દેવામાં આવે છે અને ત્યારે આવો જ એક કિસ્સો ગુજરાતમાં ખેડા અને નડિયાદ પાસે સામે આવ્યો છે જેનો વિડીયો વાઇરલ થતાં ચકચાર મચી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર અનુસાર નેશનલ હાઇવે નંબર 8ના માતર તાલુકાનાં વણસર ગામે પેટ્રોલપંપની બાજુમાંથી નીકળતા રસ્તાની જાણે ચોરી થઇ છે. વિગતો કઈક એવી છે કે રૂ. ૪૮.૯૨ લાખનો રોડ રાતોરાત ગાયબ થયો છે. આ રસ્તો વણસર ગામમાં બનાવવામાં આવ્યો હતો. ડિસેમ્બર – ૨૦૧૯માં આ રસ્તાના કામની શરૂઆત કરવામાં આવી હતી અને સપ્ટેમ્બર ૨૦૨૦માં પૂરી કરવાંમાં આવી હતી. રસ્તાનું કામ અમદાવાદની શ્રીશક્તિ કન્ટ્રકશન નામની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. રસ્તો બનાવવામાં ૧૩ મહિના લાગ્યા હતા પરંતુ રસ્તો બન્યાના ગણતરીના દિવસોમા રસ્તો જાણે ચોરાઇ ગયો હોય એમ રસ્તા પર સ્હેજ માત્ર ડામર જોવાજ મળતો નથી અને આખો રસ્તો જ ચોરાઈ ગયો છે.૨૦૦ મીટરનો રોડ બનાવવામાં આવ્યો છે પણ માત્ર ચોપડા પર જ બન્યો છે. સ્થાનિક ગામના લોકોને પણ ખબર નથી કે રસ્તો ક્યારે બની ગયો અને ક્યારે આ રસ્તો ચોરાઈ પણ ગયો. ભ્રષ્ટાચારનો નાનકડા એવા ગામમાં મોટો કિસ્સો સામે આવ્યો છે જેમાં ૪૮.૯૨ લાખ રૂપિયાના ખર્ચે બનેલો રસ્તો તો ત્રણ દિવસમાં જ ગાયબ થઈ ગયો હતો. નાના એવા ગામમાં રસ્તો બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોય તો મોટા-મોટા કામોમાં તો કેટલો ભ્રષ્ટાચાર થતો હશે. વણસર ગામમાં રહેતા રહીશોકહેવું છે કે, અમને પણ રસ્તાની ચોરી થઈ ગઈ હોય તેવું લાગે છે કારણ કે, અમને રસ્તો જોવા મળ્યો જ નથી. અહીંયા રોડ બની ગયો છે તેવું બોર્ડ મારવામાં આવ્યું છે પરંતુ અમને રસ્તો ક્યાંય દેખાતો નથી. ગામના લોકોનું કહેવું છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા અગાઉ આ પ્રકારનું કોઈ પણ બોર્ડ લગાવવામાં આવ્યું ન હતું પરંતુ અચાનક જ ત્રણ દિવસ પહેલા ગામમાં બોર્ડ લાગી ગયું અને અમને ખબર પણ ન પડી કે રસ્તો ક્યારે બન્યો. રસ્તો બની ગયો હોવાનું બોર્ડ ત્રણ દિવસ પહેલા માર્યું હોવાનો પુરાવો પણ ગામલોકોએ રજૂ કર્યો હતો અને તેમાં ગામલોકોએ જણાવ્યું હતું કે, બોર્ડ જે સિમેન્ટના આધારે મારવામાં આવ્યું છે તે સિમેન્ટનો પથ્થર પણ હજુ સુકાયો નથી. આ અંગે એક નાગરિકે વિડીયો વાયરલ કરી દેતા આખો મામલો પ્રકાશમાં આવ્યો છે. જોકે હજુ આ મુદ્દાને લઈને તંત્ર દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી પરંતુ ચાલતી લોકચર્ચા મુજબ આમ કેટલાયે કામોમાં અબજોના ગોટાળા ચાલતા હશે તે તપાસનો વિષય છે.