ગાંધીનગર: ખેડા જિલ્લાના માતર તાલુકાના વણસર નેશનલ હાઇવેથી કૃષ્ણપુરાને જોડતા રસ્તા બાબતે હાલમાં સોશીયલ મીડીયામાં વિક્રમસિંહ ચૌહાણ દ્વારા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ઉપર સવાલ ઉભા કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે ૧૨૦૦ મીટરનો રોડ બન્યો નથી તે માત્ર સરકારી ચોપડે બનાવવામાં આવ્યો છે.
વિડીયો વાયરલ થતા સરકાર હરકતમાં આવી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી નિષ્કર્ષ પર આવી છે. સરકારે એક પ્રેસનોટ જાહેર કરતા જણાવ્યું કે પ્રસારીત કરવામાં આવેલ છે તે ભ્રામક છે. તથા તેમાં તેઓ દ્વારા જે વિગતો દર્શાવવામાં આવેલ છે તે સત્યથી વેગળી છે.
આ રસ્તાને બનાવવા માટે શ્રી શક્તિ કન્સ્ટ્રક્શન, અમદાવાદને તા.૧૨/૧૨/૨૦૧૯ ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે તથા આ કામની સમય મર્યાદા પ્રમાણે આ કામ તા.૧૧/૦૯/૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરવાનું હતું. પરંતુ ચાલુ વર્ષની વૈશ્વિક મહામારી કોરોના” (COVID-I9) ને કારણે આ કામ મૂળ સમય મર્યાદામાં પૂર્ણ થયેલ નથી. આ કામગીરી કરવાની હજી બાકી છે તથા આ કામ પેટે ઇજારદારને કોઇ પણ પ્રકારનું ચુકવણું કરવામાં આવેલ નથી.
આ કામગીરી ટૂંક સમયમાં ચાલુ થનાર છે. કામની વિગતો દર્શાવતું બોર્ડ જે દરેક કામ પર ઇજારદાર દ્વારા જાહેર જનતાની જાણ અર્થે મુકવામાં આવે છે તેમાં દર્શાવેલ વિગતોનો ઉપયોગ કરી પ્રજાને ગેરમાર્ગે દોરતી માહિતી વિડીયો દ્વારા સોશીયલ મીડીયામાં પ્રસારીત કરવામાં આવેલ છે તે સદંતર ખોટી છે.
તેઓ દ્વારા દર્શાવેલ વિડીયો જણાવ્યા મુજબ તેઓ દ્વારા કાર્યપાલક ઇજનેર પંચાયત (મા.મ.) વિભાગ કે નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત (મા.મ.) પેટા વિભાગ, ખેડા પાસેથી ઉપરોક્ત વિગતો માંગેલ નથી જે દર્શાવે છે કે આ બાબતનો અપ્રચાર કરવાનો ઇરાદો છે.
આ કામ બાબતે પોલીસ સ્ટેશને એફ.આઇ.આર. કરેલ હોય તે બાબતે અત્રેની કચેરી ખાતે કોઇ જાણ નથી. આમ તેમના દ્વારા પ્રસારીત કરવામાં આવેલ વિડીયોમાં જણાવેલ વિગતો ભ્રામક તથા સત્યથી વેગળા છે.