અમદાવાદના સરદાર સ્મારક અને ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
શાહીબાગના સરદાર સ્મારક તથા વિજ્ઞાન કેન્દ્રના કોલકતા મથકમાં ધમકીનો ઈમેલ મળ્યો
અમદાવાદ: ગુજરાતમાં વાઈબ્રન્ટ મહોત્સવની તૈયારી વચ્ચે અને આગામી સપ્તાહથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો ગાંધીનગર પહોંચી રહ્યા છે તે સમયે જ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર સ્મારક તથા વલસાડના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
સરદાર સ્મારક ઓફિસને એક ઈ-મેલમાં ધમકી મળતા અહી યોજાયેલ એક કાર્યક્રમ તાત્કાલીક રદ કરી દેવામાં આવ્યો હતો તથા અમદાવાદ પોલીસની બોમ્બ સ્કવોડ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને સમગ્ર સંકુલનું ચેકીંગ હાથ ધર્યુ છે. આ ઉપરાંત વલસાડના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેલ મળ્યો હતો.
આ ધમકી વિજ્ઞાન કેન્દ્રની કોલકતા ખાતેની ઓફિસને મળ્યો હતો અને તુર્તજ દેશભરમાં વિજ્ઞાન ભવનની કચેરી આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જો કે કોલકતાને મળેલા પત્રમાં કોઈ ચોકકસ વિજ્ઞાન કેન્દ્રનો ઉલ્લેખ નહી હોવાથી વલસાડના ધરમપુર સહિત દેશભરના વિજ્ઞાન કેન્દ્રોને સુરક્ષા અપાઈ છે.
દેશભરમાં 25 વિજ્ઞાન કેન્દ્રો છે. જો કે અનેક લોકવિજ્ઞાન કેન્દ્રમાં આ અંગે તપાસ કરતા કોઈ શંકાસ્પદ ચીજો મળી નથી. અમદાવાદના સરદાર સ્મારકને તો સ્ફોટક પદાર્થોથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી.