• હૃદયદ્રાવક ૧૪ લોકો ના અપમૃત્યુ ના હરની કાંડ થી ઘ્યાન ભડકાવવા, હેડલાઇન મેનેજમેન્ટ માટે ભાજપ નું અસંવેદનશીલ કૃત્ય હતું.
• NCRB ના આંકડા મુજબ છેલ્લા ૫ વર્ષ માં ગુજરાત માં ડૂબવા ની ૮૭૧૦ ઘટના માં ૯૧૧૫ લોકો એ જીવ ગુમાવ્યા.
• NCRB મુજબ છેલ્લા ૫ વર્ષ માં ગુજરાતમાં બોટ (હોડી) અકસ્માત ની ૩૯ ઘટનાઓ માં ૬૫ લોકો એ જીવ ગુમાવ્યા.
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ ને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું ભાજપ સરકાર એ વડોદરા ના હૃદયદ્રાવક હરની કાંડ થી ઘ્યાન ભડકાવવા માટે ધારાસભ્ય નું રાજીનામા કાંડ આદર્યું છે. ૧૨ બાળકો અને ૨ શિક્ષિકાઓ ના અપમૃત્યુ માટે તંત્ર ની બેદરકારી અને નિષ્કાળજી જવાબદાર છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ઘટના સ્થળે દોડી ગયા છે પણ જો ઘટના પેહલા તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર, કર્મચારીઓ, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન જઈ આવ્યા હોત તો આ ઘટના ના બનતી. ભાજપ પોતાના તંત્ર ની નિષ્ફળતા થી ઘ્યાન ભડકાવવા, માત્ર હેડલાઇન મેનેજમેન્ટ માટે ઘટના ના ૨૪ કલાક ના થયા હોય ત્યારે આવું અસંવેદનશીલ પગલું ગુજરાત ને શરમાવે અને લોકતંત્ર ને લજવે તેવું છે.
NCRB ના આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષ માં ડૂબવા ના ૮૭૧૦ ઘટના ઘટી છે જેમાં ૯૧૧૫ લોકો એ જીવ ગુમાવ્યા. છેલ્લા પાંચ વર્ષ માં બોટ (હોડી) અકસ્માત ના ૩૯ ઘટના બની છે જેમાં ૬૫ લોકો એ જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ ૨૦૧૯ માં બોટ (હોડી) અકસ્માત માં ૩૧ લોકો એ જીવ ગુમાવ્યા હતા. ડૂબવા થી વર્ષ ૨૦૨૨ માં ૧૯૫૯ જીવ ગુમાવ્યા, ૨૦૨૧ માં ૧૭૧૧, ૨૦૨૦ માં ૧૯૦૬, ૨૦૧૯ માં ૧૮૬૯ અને ૨૦૧૮ માં ૧૬૭૦ લોકો એ જીવ ગુમાવ્યા હતા.
સરકાર માત્ર સહાય અને આશ્વાસન સિવાય હજુ સુધી કોઈ નક્કર પગલા લીધા નથી ત્યારે ગુજરાતના નિર્દોષ લોકોના તંત્રની બેદરકારીના લીધે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ક્ષમતા કરતા વધારે લોકોને બોટ (હોડી)માં બેસાડાય, પુરતા લાઈફ જેકેટ ના હોય જેના ઉપર તંત્રની દેખરેખ ના હોય અને પુરતા નિયમોનું પાલન થતુ ન હોય ત્યારે નિર્દોષ જનતાએ ભોગવવું પડે છે. તંત્ર અને સરકાર નક્કર અને જવાબદાર પગલા લે અને જે તે સરકારી મગરમચ્છો એ બેદરકારી દાખવી હોય તેમના ઉપર પણ ઉદાહરણ રૂપ પગલા લેવા જોઈએ.