• અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરાઈ
• અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકને બંને પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાની લેખિત રજૂઆત કરાઈ છે.
ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ ભાવેશ રાઠોડ અને પોલીસ કર્મી મુકેશસિંહ જાદવએ ગત તા.14મી એપ્રિલને રવિવારે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે શહેરના કલિકુંડ વિસ્તારમાં રેલીના આયોજનમાં અનુસૂચિત જાતિના લોકો સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. જેના પગલે અનુસૂચિત જાતિના લોકો દ્વારા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકને બંને પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાની લેખિત રજૂઆત કરાઈ છે.
કલિકુંડ ખાતે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે રેલી યોજાઇ હતી. જેમાં રેલીમાં જોડાયેલા અનુસૂચિત સમાજના લોકો સાથે પોલીસ કર્મીઓ દ્વારા અભદ્ર વર્તન કર્યું હતું. આ બાબતને લઈ ડીવાયએસપી સમક્ષ બંને કર્મીને સસ્પેન્ડ કરવાની અરજી કરી હતી. ત્યારે અનુસૂચિત સમાજના લોકોએ તા.16મીએ ગ્રામ્ય પોલીસ અધિક્ષકને પીઆઇ ભાવેશ રાઠોડ અને કોન્સ્ટેબલ મુકેશસિંહ જાદવને સસ્પેન્ડ કરવાની લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે તા. 14મીએ ડો. આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે કલિકુંડ વિસ્તારમાં રેલીનું આયોજન કરાયું હતું. જે રેલી સવારે મારૂતિનંદન સોસાયટીથી શરૂ કરાઈ હતી અને બપોરે જૈન મંદિર સર્કલ ખાતે પહોંચી હતી. આ તકે વેપારી દુકાનદારો બાબા સાહેબને ફુલહાર અર્પણ કરવા માટે આવ્યા હતા. તે સમય દરમિયાન ત્યાંના હાજર પોલીસ કર્મચારી પીઆઇ ભાવેશ રાઠોડ અને ત્યાં હાજર કોન્સ્ટેબલ મુકેશસિંહ દોલતસિંહ જાદવનાઓએ જાહેરમાં દલિત સમાજનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ રજૂઆતમાં કરાયો છે.