“વિશ્વ લીવર ડે” ના દિવસે થયું ૧૫૦ મું અંગદાન : એક લીવર, બે કીડનીનું દાન મળ્યું
બનાસકાંઠા જિલ્લાના ડીસાના વતની અર્જુનજી ઠાકોર બ્રેઇનડેડ તથા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો
અંગદાનની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ (દાદા)નાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમ થી સિવિલ હોસ્પિટલ માં થયુ ૧૫૦મું અંગદાન
૧૫૦ અંગદાનની સિદ્ધિ ટીમ વર્ક અને કર્તવ્યનિષ્ઠાનું પરિણામ – ડૉ. રાકેશ જોશી, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ
અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં આજે ૧૫૦માં અંગદાતાનુ દાન મળ્યું છે.
અમદાવાદ સિવિલ માં વિશ્વ લીવર દિવસના દિવસે ૧૫૦મું અંગદાન થયું છે.
૧૫૦માં અંગદાનની વાત કરીએ તો ડીસા ના રહેવાસી અને મજૂરી કામ કરતાં અર્જુનજી ઠાકોર ૧૭-૦૪-૨૦૨૪ ના માર્ગ મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન ડીસા પાટણ હાઇવે પર બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ . જેથી તેઓને પ્રાથમિક સારવાર અર્થે પ્રથમ ડીસા સિવિલ હોસ્પિટલ માં દાખલ કરેલ. અત્રે નોંધનીય બાબત એ છે કે , અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી દિલીપ દેશમુખ (દાદા) દ્વારા સમગ્ર ગુજરાતમાં જે અંગદાન જનજાગૃતિ નું અભિયાન ચલાવવા મા આવ્યું છે તે અંતર્ગત દિલીપ દેશમુખ દાદા નાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સેવા કર્મીઓને અર્જુનજી નાં બ્રેઈન ડેડ હોવાની જાણ થતાં દિલીપ દેશમુખ દાદા અને તેમની ટીમે અર્જુનજી ના સગાનો સંપર્ક કરી તેમને બ્રેઈન ડેડ અને અંગદાન વિશે સમજાવી આગળની કાર્યવાહી અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે વાત કરી તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા. સિવિલ હોસ્પિટલ માં ૧૮-૦૪-૨૦૨૪ ના રોજ ડોક્ટરોએ અર્જુનજીનાં એપનીઆ ટેસ્ટ બાદ બ્રેઈન ડેડ જાહેર કર્યાં.
ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું થયું.
ડીસા તાલુકાના સાવિયાલા ગામ ના સરપંચ શ્રી ઠાકોર રસિકજી રતુજી એ અર્જુનજી ઠાકોર ના બ્રેઈન ડેડ હોવાની જાણ થતા તરત જ પોતાનો માનવધર્મ સમજી અર્જુનજી નાં પત્ની , ભાઇ તથા તેમના અન્ય સ્વજનોને અંગદાન વિષે સમજાવ્યા. જેથી અર્જુનજીનાં તમામ સ્વજનો એ તેમના અંગોના દાન થકી બીજા ત્રણ જરૂરિયાત મંદ વ્યકિતઓને જીવનદાન આપવાનો ઉમદા નિર્ણય કર્યો.
આ વિશે વાત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આ ક્ષણે જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલ અંગદાનના આ મહાયજ્ઞ માં આજે એક નોંધપાત્ર સિધ્ધી હાંસલ થઇ છે . જેમાં આજદિન સુધીમાં કુલ ૧૫૦ અંગદાન થયા છે . જેના દ્વારા કુલ ૪૮૩ અંગો નું દાન મળ્યું છે . જે થકી ૪૬૭ લોકોને નવજીવન પ્રદાન થયું છે. આજે વર્લ્ડ લીવર ડે નાં દિવસે થયેલા અંગદાનથી બે કિડની અને લીવરનું દાન મળ્યું છે . જેને સિવિલ હોસ્પિટલ કેમ્પસ ની જ કિડની હોસ્પીટલ માં જરૂરિયાત મંદ દર્દી ઓ માં પ્રત્યારોપણ કરવામા આવશે.
બ્રેઈન ડેડ વ્યક્તિના અંગોને રીટ્રાઈવ કરતા પહેલા એક પ્રાર્થના કરવામાં આવે છે આજે થયેલ પ્રાર્થનામાં કિડની ઇન્સ્ટિટ્યૂટ ના ડાયરેક્ટર ડૉ.પ્રાંજલ મોદી અને યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશી પણ હાજર રહ્યા હતા.
શ્રી દિલીપ દેશમુખ દાદા નાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામા આવેલ જન જાગૃતિ અભિયાન નાં લીધે આજે ગામેગામ છેવાડાનો માણસ પણ અંગદાન ની મહત્તા સમજતો થયો છે. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૫૦ અંગદાતાઓ થકી કુલ ૪૮૩અંગોનું દાન મળેલ છે.