ભાજપની ‘મોટી જીત’, ઈતિહાસમાં પહેલીવાર સુરત બેઠક બિનહરીફ
ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીના ઉમેદવારો પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા સુરત બેઠક બિનહરીફ થઈ છે. સુરત બેઠક પરથી તમામ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સુરત બેઠક પર ભાજપના ઉમેદવારની મોટી જીત થઈ છે.
ગુજરાતમાં લોક સભા ચૂંટણી થાય તે પહેલા જ સુરતમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર થઇ ગયા છે. રવિવારે સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યુ હતુ. જે બાદ આજે સોમવારે તમામ અન્ય પક્ષના ઉમેદવારોએ પણ એક બાદ એક ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જે બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જીત પર ખુશી વ્યક્ત કરી હતી.
સી. આર. પાટીલે કહ્યું કે, આજે લોકસભાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને તેમના ડમી ઉમેદવાર, બન્નેના ફોર્મ રદ થયા હતા. તે પછી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ અને અન્ય 8 ઉમેદવારો હરીફાઇમાં હતા. તેઓ કેટલીક પાર્ટી અને અપક્ષ ઉમેદવારો હતા. તેમણે આજે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટર દ્વારા મુકેશ દલાલ (24, સુરત લોકસભાના ઉમેદવાર)ને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે.
તમામ 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. કારણ કે, સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પહેલા જ પરત ખેંચ્યું હતું. જે બાદમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ગાયબ થઈ હતા. જોકે, તેઓ અચાનક સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા અને તેઓએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું.
કેટલા ઉમેદવારોએ ભર્યા હતા ફોર્મ?
– પ્યારેલાલ ભારતી (બહુજન સમાજ પાર્ટી)
– મુકેશ કુમાર દલાલ (ભારતીય જનતા પાર્ટી)
– અબ્દુલ હમીદ ખાન (સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી)
– જયેશ બાબુભાઈ મેવાડા (ગ્લોબલ રીપબ્લિકન પાર્ટી)
– સોહેલ શેખ (લોગ પાર્ટી)
– અજીતસિંહ ભુપતસિંહ ઉમટ (અપક્ષ)
– કિશોરભાઈ ડાયાણી (અપક્ષ)
– બારેયા રમેશભાઈ પરસોત્તમભાઈ (અપક્ષ)
– ભરતભાઈ પ્રજાપતિ (અપક્ષ)