અમદાવાદ, હાલ લોકસભા અને પેટાચૂંટણીનો માહોલ ધમધમી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના ન ઘટે તે માટે ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ બાજ નજર સાથે કોઈ પણ કૃત્યને અંજામ આપનાર લોકો સામે સજ્જ જોવા મળી રહી છે. જે અનુસંધાને ગુજરાત ATSને હથિયારોનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.
એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના કરાઈ છે જે સૂચના અન્વયે નારોકિટીક્સ, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવેલ હતું. આ દરમ્યાન એટીએસના નાયબ પોલીસ અધીક્ષક હર્ષ ઉપાધ્યાયનાઓને બાતમી મળેલ કે, મધ્ય પ્રદેશના જાંબુઆનો શિવમ નામનો માણસ પોતાના કબ્જામાં ગેર કાયદેસર પિસ્ટલો તથા કારતૂસોનો જથ્થો રાખી તા. 25/04/2024ના રોજ કલાક સાંજે 4 વાગ્યે અમદાવાદના નારોલ બ્રિજના પૂર્વ તરફના છેડે ફૂટપાથ ઉપર આવી ચોટીલાના મનોજ ચૌહાણ નામના ઇસમને ડીલીવરી કરવા આવનાર છે.
જે મળેલ માહીતીને એ.ટી.એસ. ગુજરાતના પીએસઆઇ વી. આર. જાડેજા તથા વી.એન.ભરવાડ તેમજ ટીમના માણસો ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યાએ વોચમાં હાજર હતા. જે દરમ્યાન ઉપરોક્ત બાતમી હકીકતવાળા બે શકમંદ ઈસમો મળી આવતા તેઓને કોર્ડન કરી રોકી લઈ તેઓની પાસે રહેલ થેલાની ઝડતી કરતા શિવમ શિવા ઇન્દરસીંગ ડામોરની પાસેથી પિસ્ટલ નંગ-૦૫ તથા પિસ્ટલના કારતૂસ નંગ-૨૦ મળી આવ્યા હતા. ત્યારબાદ તેઓના વિરૂધ્માં એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરી તેઓની વિગતવાર પૂછપરછ કરતા જાણવા મળેલ કે, પકડાયેલ આરોપી નામે શિવમ ઇંદ્રસિંહ ડામોર છેલ્લા વર્ષ દરમિયાન વિવિધ ટ્રાવેલ્સમાં મધ્ય પ્રદેશથી જામખંભાળિયા દર ત્રીજા ચોથા દિવસે આવન જાવન કરતો હતો, જે દરમ્યાન તે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ માણસોનાં સંપર્કમાં આવી લોકોને હથિયાર જોઈએ તો મધ્યપ્રદેશથી લાવી આપવાની ખાતરી આપતો. જેમાં તેણે પોતાનું કમિશન મેળવી છેલ્લા ત્રણ માસ દરમ્યાન અલગ અલગ લોકોને હથિયાર પહોચાડ્યા હોવાની વિગતો ઉજાગર થઈ જે બાદ પીએસઆઇ. વી. આર. જાડેજા, વી.એન.ભરવાડ તેમજ તપાસ કરનાર પીએસઆઇ આર. આર. ગરચરનાઓની ટીમ વિવિધ જગ્યાએ જઈ રેડ કરતા અમરેલી, રાજકોટ શહેર તેમજ સુરેન્દ્રનગર જીલ્લાઓમાંથી વધુ ૨૦ પિસ્ટલો તથા ૭૦ રાઉન્ડનો જથ્થા સાથે અન્ય ચાર ઈસમોની ધરપકડ કરી છે.