અમદાવાદઃ ભગવાન જગન્નાથ શહેરની નગરચર્યા પહેલા પોતાના મોસાળ સરસપુર પધાર્યા છે. ત્યારે સમગ્ર શહેરમાં અને વિશેષ કરી પૂર્વ વિસ્તારમાં રહેવાસીઓમાં આનંદ અને હર્ષની લાગણી વ્યાપી છે.
કહેવાય છે કે પાપીઓએ આખરે ભગવાનનો ડર તો રાખવો જ પડે. કંઇક તેવી જ પરિસ્થિતિ ભગવાન જગન્નાથજી પોતાના મોસાળ સરસપુર પહોંચે તે પહેલાં સર્જાઈ છે. ભગવાન નો ડર તો સૌ કોઈને હોય ત્યારે અસામાજિક તત્વો, બૂટલેગરો અને આવા દુષણો ને છાવરતા લોકોમાં જોવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે અમદાવાદ પૂર્વ વિસ્તારોમાં શહેર કોટડા, ગોમતીપુર, રખિયાલ જેવા વિસ્તાર નેગેટિવ ઝોનમાં ગણવામાં આવે છે. જ્યાં મોટાભાગે રોજ કમાઈને રોજ ખાનાર શ્રમજીવીઓ રહે છે. અને આ વિસ્તારોમાં ગુનાઓનું પ્રમાણ પણ ખૂબ જોવા મળે છે. ઠેર ઠેર દારૂની હાટડીઓ જોવા મળે પછી તે ગોમતીપુર, શહેરકોટડા હોય કે પછી રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તાર હોય.
ભગવાન જગન્નાથજી રથયાત્રા પહેલા જાણે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મળ્યા હોય તેમ શહેરકોટડા, રખિયાલ અને ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશેષ વોચ રાખી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું જ્યાં મોટી માત્રામાં અસામાજિક તત્વો, ભાગેડુઓ બૂટલેગરો ઉપર લગામ લગાવવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ને સફળતા મળી છે.
પોલીસની કામગીરીથી પબ્લિક ખુશ
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવેલ કોમ્બિંગમાં
ગેરકાયદેસર પિસ્તોલ જીવતા કારતૂસ. પ્રોહિબિશન, તડીપાર, બૂટલેગરો, વોન્ટેડ આરોપીઓ, ડ્રગ જેવા દૂષણ સાથે સંકળાયેલ લોકો ૧૦૦થી વધુ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવી અને દારૂના અડ્ડાઓ બંધ થતાં વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો અને પોતાની ખુશી જાહેર કરી રહ્યા છે. સાથે સાથે ભગવાન જગન્નાથજી નો આભાર માની રહ્યા છે.
સ્થાનિક લોકોનું માનીએ તો દારૂ, જુગાર સહિતના અસમાજીક વૃત્તિના કારણે પૂર્વ વિસ્તારમાં આવેલ ગોમતીપુર, શહેર કોટડા અને રખિયાલ વિસ્તારના લોકો પીડાઈ રહ્યા છે ત્યારે રથયાત્રા પહેલા પોલીસની સારી કામગીરીથી લોકોમાં હર્ષની લાગણી છે. પરંતુ આ લાગણી ક્યાં સુધી રહેશે અને ક્યાં સુધી દારૂ જુગારની હાટડીઓ બંધ રહેશે એ એક મોટો સવાલ છે. શું રથયાત્રા બાદ ફરી અસમાજીક તત્વોને ખુલો દૌર મળશે કે દૂષણ કાયમી દૂર રહે તેના માટે સચોટ વ્યવસ્થા કરવામાં આવશે તે જોવું રહ્યું.