છેલ્લા અઠવાડિયામાં બે વખત અને છ મહિનામાં ત્રીજી વખત મળી ધમકી
સુરક્ષા એજન્સીઓને ચિંતા વાઘ સાચે જ ના આવી જાય
ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા ડોગ – બોમ્બ સ્કવોર્ડ દ્વારા તપાસ: એરપોર્ટ તંત્રના અધિકારીઓ – કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ
અમદાવાદ,તા.24
છેલ્લા ઘણા સમયથી જાણે દેશભરના એરપોર્ટ સતત હોટ ટાર્ગેટ બન્યા હોય તેવો માહોલ સર્જાયો છે. અવારનવાર એરપોર્ટ ઉપર ઈમેલ દ્વારા ધમકીઓ મળી રહી છે, કે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. તાજેતરમાં જ વડોદરા સહિતનાં દેશનાં 15 જેટલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈ-મેઈલ મળ્યા બાદ ફરી અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાનો ઈમેઈલ મળતા એરપોર્ટ તંત્ર દોડતુ થયુ હતું. અને ડોગ-બોમ્બ સ્કવોર્ડની મદદથી ચેકિંગ થતાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.
છ મહિનામાં અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ત્રીજીવાર ધમકી મળી છે.દર 10 થી 15 દિવસે ઈ-મેઈલ દ્વારા દેશનાં વિવિધ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી રહી છે.જો કે ઈમેઈલ મળતી ધમકી તપાસનાં અંતે ખોટી સાબિત થઈ રહી છે.મંગળવારે (18 જૂન) વડોદરા એરપોર્ટ પર પણ બોમ્બની ધમકીના ઈ-મેઇલ મળ્યા હતા.
‘એરપોર્ટમાં એક બોમ્બ છે, જે બ્લાસ્ટ થઇ જશે’ એવો ધમકીભર્યા ઈ-મેઇલ મળતાં સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ અને સીઆઈએસએફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એરપોર્ટમાં બોમ્બ-સ્કવોડ અને ડોગ-સ્કવોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન એરપોર્ટ પર કંઈ પણ શંકાસ્પદ ન મળતાં એજન્સીઓને હાશકારો થયો હતો. આ દરમિયાન ડીસીપી પન્ના મોમાયાએ વડોદરા એરપોર્ટને આજનો દિવસ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
ગત 12 મે 2024ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. કોઇ અજાણ્યા ઈ-મેઇલ આઇડી પરથી અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેને લઇને એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફને તમામ મુસાફરોનું સઘન ચેકિંગ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી.પરંતુ ચેકિંગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી ન હતી.
કર્ણાટકના કાલબુર્ગી એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. ધમકી ઈ-મેઇલ દ્વારા મોકલવામાં આવી છે.શુક્રવારે (21 જૂન) મધ્યપ્રદેશના ઈન્દોરમાં અહિલ્યા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર બોમ્બની ધમકી મળી છે. આમાં પણ ઈ-મેઇલ આઈડી પર જ ધમકી આપવામાં આવી હતી.
આ પહેલાં ડિસેમ્બર, 2023માં અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ પોલીસને મળતા પોલીસ દોડતી થઈ હતી. આ ધમકીભર્યા ઇ-મેઇલ બાદ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમે સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે પ્રાથમિક તપાસમાં એરપોર્ટ પર બોમ્બ હોવાની વાત માત્ર એક અફવા હોવાનું સામે આવ્યું હતું.