• POPની મૂર્તિ 5 ફૂટથી મોટી રાખી શકાશે નહીં
• સાર્વજનિક ગણેશોત્સવમાં માટીની મૂર્તિ 9 ફૂટ સુધી રાખી શકાશે
• કોઈ પણ ધર્મની લાગણી દુભાય તેવી મૂર્તિ નહી બનાવી શકાય
ગજાનંદ ગણપતિના ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે ગણેશોત્સવને લઈ જાહેરનામું બહાર પાડયું છે. જેમા માટીની મૂર્તિની ઉંચાઈ 9 ફૂટ સુધી રાખી શકાશે તો બીજી તરફ પીઓપીની મૂર્તિની ઉંચાઈ 5 ફૂટથી વધુની નહી રાખી શકાય તેવો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે જે પણ વ્યકિત અથવા સંચાલક આ જાહેરનામાનો ભંગ કરશે તેની સામે પોલીસ કાર્યવાહી કરશે.
7 સપ્ટેમ્બર 2024થી ગણેશોત્સવ શરૂ થશે અને 17 સપ્ટેમ્બરે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્રારા પ્રોગામ યોજવામાં આવતા હોય છે તેમજ ગણેશજીની પ્રતિમા લાવવામાં આવતી હોય છે, નિયમો મૂજબ વાત કરવામાં આવે તો પીઓપી તેમજ માટીની મૂર્તિ આયોજકો દ્રારા લાવવામાં આવતી હોય છે. આ વખતે આયોજકોએ પોલીસના જાહેરનામાનો અમલ કરવો પડશે અને જો જાહેરનામા પ્રમાણેની મૂર્તિ નહી હોય તો તેવા આયોજક સામે ફરિયાદ નોંધવામાં આવશે.
પોલીસ કમિશનરે બહાર પાડેલા નિયમોનો કરવો પડશે અમલ
1-ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિત 9 ફૂટ કરતાં વધારે ઊંચાઈની બનાવી શકાશે નહીં, વેચી શકાશે નહીં અને સ્થાપના પણ કરી શકાશે નહીં.
2-પીઓપીની મૂર્તિ બેઠક સહિત 5 ફૂટ કરતાં વધારે રાખી શકાશે નહીં તેમ જ પીઓપીની મૂર્તિનું નદી, તળાવમાં વિસર્જન કરી શકાશે નહીં.
3-મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિ બનાવે છે તેમ જ જ્યાં વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથો નજીકમાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવી નહીં તેમ જ મૂર્તિ રોડ પર મૂકવી નહીં અને ખંડિત મૂર્તિ બિનવારસી છોડવી નહીં.
4-પાણીમાં સરળતાથી ઓગળે નહીં તેવા ઝેરી કેમિકલ કે કલરનો ઉપયોગ મૂર્તિ બનાવવા માટે કરવો નહીં.
5-કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાય તેવા ચિહ્ન, નિશાનવાળી મૂર્તિ બનાવવી નહીં.