લોકસભા સત્ર દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે બોલાચાલી થાય એ વાત સામાન્ય છે, પરંતુ ઘણીવાર આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. હાલ સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે સત્તાપક્ષના સાંસદ અનુરાગ ઠાકુર અને LoP તેમજ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાની આવી જ એક ઘટના સામે આવી છે. હકિકતમાં, લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણનું જવાબ આપતી વખતે અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીની જાતિ અંગે ટિપ્પણી કરી હતી, જે બાદ લોકસભામાં ભારે હોબાળો થયો હતો તેમજ વિપક્ષ દ્વારા અનુરાગ ઠાકુરના આ નિવેદનની સખત ટીકા કરવામાં આવી હતી.
દરમિયાન વડાપ્રધાન મોદીએ અનુરાગ ઠાકુરના ભાષણના વીડિયોને ટ્વિટ કરી શેર કરતાં આ મામલો વધુ વકર્યું છે. હાલ વિપક્ષે આ મામલે લોકસભામાં વડાપ્રધાન વિરૂદ્ધ વિશેષાધિકાર હનન પ્રસ્તાવનો નોટિસ રજૂ કરી સંસદીય વિશેષાધિકારના ઉલ્લંઘનને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
હકિકતમાં, બજેટ સત્રની ચર્ચા દરમિયાન લોકસભામાં ભાષણ આપતી વખતે રાહુલ ગાંધીએ દેશમાં જાતિગત જનગણના કરાવવાની માગ કરી હતી, જેનો જવાબ આપતા અનુરાગ ઠાકુરે તેમની જાતિ અંગે ટિપ્પણી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધી અને અનુરાગ ઠાકુર વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. ઉપરાંત રાહુલ ગાંધીના સમર્થનમાં વિપક્ષના ઘણાં સાંસદોએ અનુરાગ ઠાકુરનો ભારે વિરોધ પણ કર્યો હતો. આ ઘટના બાદ વડાપ્રધાન મોદીએ તેમના X હેન્ડલ પર અનુરાગ ઠાકુરના આ ભાષણનો વીડિયો શેર કર્યો હતો, જે બાદ મામલો વધુ વકર્યું છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ મુદ્દે વડાપ્રધાન મોદી પર આકરાં પ્રહાર કર્યા હતા. તેમજ કોંગ્રેસ સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ આ મામલે વડાપ્રધાન વિરૂદ્ધ લોકસભામાં વિશેષાધિકાર હનન પ્રસ્તાવનો નોટિસ પણ રજુ કર્યો છે, પરંતુ આ પ્રસ્તાવ પસાર કરવું કોંગ્રેસ માટે સરળ નહી હોય, કારણ કે લોકસભામાં આ પ્રકારના પ્રસ્તાવની મંજૂરી માટે સ્પીકરની સંમતિ હોવી જરૂરી છે જે કોંગ્રેસ માટે મુશ્કેલી બની શકે છે. જો કે, ગૃહમાં અનુરાગ ઠાકુરના નિવેદન બાદ વિપક્ષના ભારે વિરોધ પર અધ્યક્ષ જગદંબિકા પાલે સાંસદોને આશ્વાસન આપ્યું હતું કે ભાષણના વિવાદિત અંશોને હટાવી દેવામાં આવશે.
શું હોય છે વિશેષાધિકાર હનન?
વિધાનસભા અને સંસદના સભ્યો પાસે અમુક વિશેષ અધિકાર હોય છે, ગૃહની અંદર જ્યારે આ વિશેષ અધિકારોનું હનન થાય છે અથવા આ અધિકારો વિરૂદ્ધ કોઇ કામ થાય છે તો તેને વિશેષાધિકાર હનન કહેવામાં આવે છે. જ્યારે ગૃહમાં કોઇ સભ્ય એવી ટિપ્પણી કરે છે કે જેનાથી સંસદની પ્રતિષ્ઠાને નુકસાન થાય તો એવી સ્થિતિમાં તે સભ્ય પર સંસદની અવમાનના અને વિશેષાધિકાર હનન અંતર્ગત કાર્યવાહી થઇ શકે છે. લોકસભા સ્પીકરને આ મામલે લેખિત ફરિયાદ વિશેષાધિકાર હનન નોટિસ કહેવાય છે.
કોણ આપે છે મંજૂરી?
નોટિસ પર સ્પીકરની મંજૂરી બાદ જ ગૃહમાં આ પ્રસ્તાવ લાવી શકાય છે. આ પ્રસ્તાવ સંસદના કોઇપણ સભ્ય દ્વારા રજૂ
કરવામાં આવી શકે છે. લોકસભા નિયમ પુસ્તકના ચેપ્ટર 20નો નિયમ 222 તેમજ રાજ્યસભામાં ચેપ્ટર 16નો નિયમ 187
વિશેષાધિકારને નિયંત્રિત કરે છે. જે મુજબ, ગૃહનો કોઇપણ સભ્ય અધ્યક્ષ કે સભાપતિની સંમતિથી વિશેષાધિકાર હનન
અંગે સવાલ ઉઠાવી શકે છે. સંસદ સભ્યોને જે વિશેષાધિકાર આપવામાં આવ્યા છે તેનો મૂળ ઉદ્દેશ્ય સત્તાનો દૂરુપયોગ થતું અટકાવવાનું છે. ભારતની સંસદીય પ્રણાલીમાં બહુમતનો શાસન હોય છે, પરંતુ અલ્પમત ધરાવતા વિપક્ષના સભ્યોને પણ પ્રજા જ ચૂંટીને મોકલે છે માટે વિશેષ અધિકાર હોવાથી કોઇપણ સભ્ય સત્તાપક્ષથી ડર્યા વિના પ્રજા માટે અવાજ ઉઠાવી શકે છે.
વિશેષાધિકાર હનનની તપાસ કઇ રીતે થાય છે?
લોકસભાના સ્પીકર અથવા રાજ્યસભાના સભાપતિ વિશેષાધિકાર હનનના પ્રસ્તાવની તપાસ કરવા માટે 15 સભ્યોની સમિતિ બનાવે છે. આ સમિતિ તપાસ કરે છે કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ યોગ્ય છે કે નહી. વિશેષાધિકાર સમિતિ જો કોઇ સભ્યને દોષી જાણે છે તો તેના વિરૂદ્ધ સજાની માગ કરી શકે છે. આ પ્રસ્તાવ લાવવા માટે સંસદ સભ્યએ મહાસચિવને સવારે 10 વાગ્યા પહેલા લેખિત સૂચના આપવી પડે છે. જો 10 વાગ્યા પછી સૂચના આપવામાં આવે તો તેને બીજા દિવસની બેઠકમાં સામેલ કરવામાં આવે છે. જો કે, આ પ્રકારના પ્રસ્તાવ મોટાભાગે અસ્વિકાર કરી દેવામાં આવે છે, અત્યારસુધી માત્ર થોડાક જ કિસ્સાઓમાં કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
જ્યારે વિશેષાધિકાર હનન મુદ્દે જેલ ગયા હતા ઇન્દિરા ગાંધી
અત્યાર સુધી રજૂ કરાયેલા સૌથી મહત્વપૂર્ણ વિશેષાધિકાર પ્રસ્તાવોમાંથી એક વર્ષ 1978માં ઇન્દિરા ગાંધી વિરૂદ્ધ રજૂ કરવામાં આવ્યું હતું. તે સમયે તત્કાલીન ગૃહમંત્રી ચરણ સિંહે આપાતકાલ દરમિયાન જાતિઓની તપાસ કરનારા ન્યાયમૂર્તિ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓના આધારે તેમના વિરૂદ્ધ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારે ઇન્દિરા ગાંધીનું સાંસદ પદ રદ કરી દેવામાં આવ્યું હતું અને તેમને સત્ર ચાલુ રહ્યું ત્યાં સુધી જેલ મોકલી દેવામાં આવ્યા હતા.