વડાપ્રધાન મોદીની સુચનાથી ‘લેટરલ એન્ટ્રી’ની વિજ્ઞાપન રદ કરવા યુપીએસસીને તાકિદ: રાજકીય વિવાદ વધુ ચગે તે પૂર્વે જ તત્કાળ નિર્ણય
કોંગ્રેસ સહિતના વિપક્ષ ઉપરાંત NDAના સાથી પક્ષોએ પણ વિરોધનો સૂર ઉઠાવતા લેવાયો નિર્ણય
નવી દિલ્હી, તા.20
કેન્દ્ર સરકારે વિવિધ મંત્રાલયોમાં સંયુક્ત સચિવ જેવા 45 ઉચ્ચ પદો પર કોઇ પરીક્ષા-ઇન્ટરવ્યુ વિના જ ખાનગી ક્ષેત્રના નિષ્ણાંતોની સીધી ભરતી કરવાના લીધેલા નિર્ણયમાં યુ-ટર્ન લીધો હોય તેમ સમગ્ર પ્રક્રિયા થંભાવી દેવાનો આદેશ કર્યો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષો ઉપરાંત સરકારના સાથી પક્ષોએ પણ વિરોધનો સૂર ઉઠાવતા સરકારને પીછેહઠ કરવાની ફરજ પડ્યાનું મનાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી સુચનાથી લેટરલ એન્ટ્રી (સીધી ભરતી) પર રોક લગાવી દેવામાં આવી છે. કોઇ ભરતી ન કરવા કે તેને લગતી વિજ્ઞાપન ન આપવાની સુચના જારી કરવામાં આવી છે. કેન્દ્રીય શ્રમ મંત્રી જીતેન્દ્રસિંહે યુપીએસસીના ચેરમેન પ્રીતિ સુદનને પત્ર પાઠવીને કહ્યું છે કે આ નીતિ લાગૂ કરવામાં સામાજીક ન્યાય તથા અનામતને ધ્યાનમાં રાખવા જોઇએ.
શ્રમમંત્રીના પત્રમાં એમ કહેવાયું છે કે સરકાર સીધી નિયુક્તિ કરી જ રહી છે. તાજેતરમાં જ જાહેરાત આપવામાં આવી હતી. કોંગ્રેસના શાસનમાં આ પ્રકારે સીધી ભરતી થઇ હતી. કુખ્યાત રાષ્ટ્રીય સલાહકાર પરિષદના સદસ્ય પીએમઓને અંકુશમાં રાખવા સુપર-બ્યુરોક્સીની જેમ કામ કરતા હતા તે વાત જાણીતી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોદી સરકારે સીધી ભરતીની પ્રક્રિયા કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપરાંત અખીલેશ યાદવ, માયાવતી જેવા નેતાઓએ પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. અનામત ખત્મ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.
વિપક્ષ બાદ એનડીએ સરકારના જનતાદળ (યુ) તથા એલજેપી (રામવિલાસ)એ પણ વાંધો ઉઠાવ્યો હતો. લોકસભા ચૂંટણીમાં તગડો ઝટકો સહન કરનાર ભાજપે કાશ્મીર-હરિયાણા, મહારાષ્ટ્ર તથા ઝારખંડની વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય વિવાદનો પડકાર ઉભો થાય તેમ હોવાથી તત્કાળ નિર્ણય પાછો ખેંચ્યાનું મનાય છે.
શ્રમમંત્રી જીતેન્દ્રસિંહે જો કે એમ કહ્યું કે સીધી ભરતીની પ્રક્રિયા પારદર્શક અને મુક્ત બનાવવાના પ્રયાસ હતા. આ પ્રક્રિયા બંધારણની સમાનતા અને સામાજીક ન્યાયના સિધ્ધાંતોને અનુરૂપ રહેવી જોઇએ. અનામતની જોગવાઇઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સરકારી નોકરીઓમાં અનામત સામાજીક ન્યાયનો પાયો છે જેનો ઉદેશ ઐતિહાસિક અન્યાયોને દુર કરીને સામાજીક સમાનતા સર્જવાનો છે.
કેન્દ્ર સરકારના અનેક પદ એવા છે જેમાં નિપૂણતા અનિવાર્ય છે અને સીંગલ કેડરની પોસ્ટ છે તેમાં અનામતની જોગવાઇ નથી અને એટલે તેની સમીક્ષા આવશ્યક છે. વડાપ્રધાન સામાજીક ન્યાય માટે પ્રતિબધ્ધ છે અને અનામતની જોગવાઇ ન હોવાનું તેને અનુરૂપ નથી એટલે તેઓએ ગત 17મી ઓગસ્ટે જ લેટરલ એન્ટ્રીની વિજ્ઞાપન રદ કરવાનો આદેશ કર્યો હતો.