મેમો ન ફાડવા માટે 200 ની લાંચ લેતો ટીઆરબીનો જવાન ઝડપાયો
એકતરફ શહેરમાં વધતા ટ્રાફિક અને વધતાજતા અકસ્માતો ને લઈને પોલીસ તંત્ર ચિંતા જાહેર કરી રહ્યું છે. જેના પગલે ટ્રાફિક નિયમોનું ચુસતપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે તેવામાં કેટલાક લાંચિયા કર્મચારીઓ જાણે ટ્રાફિક નિયમો પોતાના ખિસ્સા ભરવાના પરવાના જેવા લાગે છે. ત્યારે અમદાવાદના રખિયાલ ચાર રસ્તા ટ્રાફિક પોઇન્ટ પર મેમો ન ફાડવા માટે રૂ.200 ની લાંચ લેતા ટીઆરબીના જવાનની એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)એ ધરપકડ કરી છે.
આ બનાવની વિગત મુજબ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો વાહનો અટકાવીને લાયસન્સ, પીયુસી, રોંગ સાઈડ, નો પાર્કિંગ અને ઓવર લોડિંગ જેવા વિવિધ બહાના હેઠળ રૂ.100થી લઈને રૂ.3,000 ની લાંચ માંગતા હોવાની ફરિયાદો પોલીસને મળી હતી.
જેને આધારે એસીબીની ટીમે રખિયાલ ચાર રસ્તા ટ્રાફિક પોઈન્ટ પાસે છટકુ ગોઠવ્યું હતું. જેમાં મેમો ન ફાડવા બદલ રૂ.200 ની લાંચ માંગનારા એચ ટ્રાફિક પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા ટીઆરબીના જવાન વિશાલ એસ.પટણીની એસીબીના અધિકારીઓે ધરપકડ કરી હતી.