અમદાવાદ, તા.16
ગાંધીના ગુજરાતમાં એમ તો દારૂબંધી છે, છતાં પણ ગુજરાતમાં દારૂનું ધૂમ વેચાણ થાય છે. ભલે રાજ્યમાં દારૂબંધી હોય, પણ ગુજરાતમાં પરમિટ લઈને તો દારૂ પીવામાં આવે જ છે. પરમિટ સાથે તો દારૂ વેચાય જ છે, પણ ગેરકાયદે દારૂ પણ ખૂબ જ વેચાય છે.હવે ગુજરાતીઓ માટે પરમિટનો દારૂ ખરીદવો મોંઘો થઈ જશે.
લિકરની પરમિટ કઢાવવાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.લિકરની પરમિટ કઢાવવાના ભાવમાં સીધો 15 હજાર રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. સાથે જ લિકર પરમિટને રિન્યૂ કરવવાના ભાવમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અગાઉથી લિકર પરમિશન માટે કરેલી અરજી કરનારને પણ હવે વધારો ચૂકવવો પડશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દાયકાઓથી દારૂ પર પ્રતિબંધ છે, દારૂ પીવાથી લઈને દારૂનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ છે. પણ વિદેશથી આવતા પ્રવાસીઓથી લઈને મેડિકલ કારણોસર કેટલાક લોકોને પરમિટ કાઢીને દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે.
દારૂની પરમિટ માટે સિવિલ હોસ્પિટલમાંથી પરમિશન લેવાની હોય છે અને તેના માટેનો ચાર્જ પણ લેવામાં આવે છે. જેમાં અત્યાર સુધી નવી પરમિટ માટે 20 હજાર રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવતો હતો.
જેમાં હવે 15 હજાર રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાતા નવી પરમિટ માટે હવે 35 હજાર રૂપિયા ચુકવવા પડશે. સાથે જ જૂની પરમિટ રિન્યુ માટે કરાવવા માટે 14 હજાર રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવતો હતો. જેમાં પણ ભાવ વધારવામાં આવ્યા છે.
♦ 6 પ્રકારની મળે છે પરમિટ
► હેલ્થ પરમિટ – રાજ્યના વતની, રાજ્ય બહારના પણ ગુજરાતમાં રહેતા વ્યક્તિ અને સંરક્ષણ દળના નિવૃત્ત સભ્યોને આપવામાં આવે છે.
► હંગામી રહેવાસીને કામચલાઉ પરમિટ આપવામાં આવે છે.
► ટુરિસ્ટ પરમિટ – એક મહિના માટે પરમિટ આપવામાં આવે છે
► મુલાકાતી વ્યક્તિ – રાજ્ય બહારની વ્યક્તિને સાત દિવસ માટે
► ગ્રુપ પરમિટ – વિદેશી નાગરિકને સંમેલન કે કોન્ફરન્સ માટે
► તત્કાલ પરમિટ – મેડિકલ હેતુ માટે જરૂરિયાત હોય તેવા વ્યક્તિને
♦ પરમિટમાં કોને કેટલો દારૂ મળે
► 40 થી 50 વર્ષની વયની વ્યક્તિને – મહિને ત્રણ યુનિટ
► 50 થી 65 વર્ષની વયની વ્યક્તિને – મહિને ચાર યુનિટ
► 65 વર્ષ કરતાં વધુ વયની વ્યક્તિને – મહિને પાંચ યુનિટ.