રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર)
અમદાવાદનાં એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આજે પોલીસ અને પબ્લિક વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. એરપોર્ટ પોલીસ વાહન પર જતા યુવકને રોકી તેની પાસે લાયસન્સની માંગણી કરી હતી. વાહન ચાલક યુવક પાસે લાયસન્સ હોવા છતાં યુવક સાથે ખોટી રીતે તકરાર કરી યુવકને લાકડી થી ફટકાર્યો હતો.જેથી યુવકે તાત્કાલિક તેના પિતાને ફોન કરીને ઘટના સ્થળે બોલાવ્યા હતા.પિતા સમક્ષ તેના પુત્રએ આખી વિગત જણાવી હતી. ત્યારે યુવકના પિતાએ એરપોર્ટ પોલીસના ચાર પોલીસકર્મીઓ સામે રજુઆત કરી કે તમે કેમ ખોટી રીતે મારા દીકરાને માર માર્યો છે. તમે કાયદો કેમ હાથમા લો છો, ત્યારબાદ તકરાર વધતા ચારેય પોલીસકર્મીઓએ પિતા પુત્રને માર માર્યો હતો.
ઘટના સ્થળે માથાકૂટ જોઈને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અને જોતજોતામાં સામસામે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. સિંધી સમાજના વેપારી પિતા પુત્રને ખોટી રીતે માર માર્યો હોવાની ખબર વાયુવેગે ફેલાઈ જતા સિંધી સમાજના લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા. તો બીજીતરફ એરપોર્ટ પોલીસના કર્મચારીઓ સાથે પબ્લિકે ટીંગાટોળી ચાલુ કરતા ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ રોષે ભરાયેલા ટોળાએ તેમને જવા દીધા ન હતા.
એરપોર્ટ પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા
મામલો વધારે બીચકાતા એરપોર્ટ પોલીસ અને સરદારનગર પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી જતા મામલાને શાંત પાડવાની કોસીશ કરી હતી.છતાં પણ પરિસ્થિતિ ઉપર નિયંત્રણ ના થતા ઝોન 4 ના ડીસીપી રાજેશ ઘઢીયા સાહેબ તાત્કાલિક દોડી આવતા લોકોને આશ્વાશાન આપ્યું હતું કે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરીયાદ કરશો તો તે પણ લેવામાં આવશે.ત્યારબાદ સિંધી સમાજના આગેવાનો એરપોર્ટ પોલીસ સ્ટેશન ફરીયાદ કરવા પહોંચ્યા હતા.
નરોડાના ધારાસભ્ય બલરામ થાવાની પણ ઘટના સ્થળે પહોંચ્યા
લાયસન્સ હોવા છતાં વાહન ચાલક અને તેના પિતા સાથે પોલીસે મારપીટ કરતા લોકોમાં પોલીસ પ્રત્યે નારાજગી જોવા મળી હતી. સિંધી સમાજના વેપારી પિતાપુત્રને નજીવી બાબતે કે જ્યાં તેઓ કસૂરવાર પણ ન હોવા છતાં એરપોર્ટ પોલીસે તેમને માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. સ્થાનિક લોકોનો પોલીસ સાથેનો ઘર્ષણ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા મામલો વધુ ગરમાયો હતો. જેથી નરોડાના ધારાસભ્ય બલરામ થાવાનીને પણ ઘટના સ્થળે હાજર થવાની ફરજ પડી હતી.
એરપોર્ટ પોલીસની કામગીરી સામે લોકોમાં રોષની લાગણી ફેલાઈ
લોકડાઉન સમયથી એરપોર્ટ પોલીસ માસ્કના નામે દંડ ઉઘરાવી લોકોને પરેશાન કરી રહી હોવાની ઘટનાઓ સતત સામે આવી છે. અલગ અલગ ત્રણ પોઇન્ટ ઉપર એરપોર્ટ પોલીસ વાહન ચાલકો માસ્ક અને હેલ્મેટના નામે તોડ કરતી હોવાના પણ આક્ષેપ લોકો કરી રહ્યા છે. પરંતુ આ મામલે કોઈ ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં આવી નથી. જેના લીધે એરપોર્ટ પોલીસ નિર્દોષ લોકોને ડરાવી તોડપાણી કરતી હોય છે, જેથી કરીને અવારનવાર એરપોર્ટ પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થયા હોવાની ઘટનાઓ બની છે!
એરપોર્ટ પોલીસે વેબ પોર્ટલના પત્રકાર ઉપર કેસ કરી તેને માર માર્યો હતો
લોકડાઉન સમયે કોરોના બીમારીના કારણે એક વ્યક્તિનું દુઃખદ મોત થતા તેમના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવા ભદ્રેશ્વર ખાતેના સ્મશાન ગૃહ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. કુબેરનગરથી ભદ્રેશ્વર જતા કોતરપુર થી આગળ જતા જોગણી માતાનું મંદિરે એરપોર્ટ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમ્યાન અંતિમ યાત્રામાં આવેલા એક વ્યક્તિનું એક્ટિવા સ્કૂટર પોલીસે રોકાવી લાયસન્સની માંગણી કરી હતી. વાહન ચાલકે એરપોર્ટ પોલીસને આજીજી કરી હતી કે તે કોઈની અંતિમ સંસ્કાર વિધીમાં જવા નીકળ્યો છે અને ઉતાવળમાં લાયસન્સ ઘરે રહી ગયો છે. તેમ છતાં એરપોર્ટ પોલીસ ટસ થી મસ ના થઈ હતી. ત્યારબાદ વાહન ચાલકે તેના પત્રકાર મિત્રને ફોન કર્યો કે જે પોતે પણ સ્મશાન યાત્રા માં આવ્યો હતો. પત્રકારે પોતાનો પરિચય આપ્યો અને પોલીસને તમામ હકીકત સમજાવાની સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસ કોઈ વાત સમજવા તૈયાર ન થતા પત્રકાર અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પત્રકારને બળજબરી પૂર્વક પોલીસ વાનમાં બેસાડી એરપોર્ટ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં ફરજ ઉપર હાજર psi ડી. બી. પ્રજાપતિએ કોઈ રજુઆત સાંભળ્યા વગર પત્રકારને પોતાના બેલ્ટ થી ફટકાર્યો હતો. પત્રકારને ખોટી રીતે પોલીસ સ્ટેશન લઈ જઈને માર મારતા ભલામણ કરવા બે વકીલ અને પત્રકાર એરપોર્ટ પોલીસ સ્ટેશનનાં પૂર્વ સ્ટેશનના pi રાઠવાને રજુઆત કરી હતી. તેમ છતાં પોલીસની કામગીરીમાં રુકાવટ કરવાનો ગુનો નોંધી પત્રકારને લોકઅપ માં પુરી દીધો હતો. સૂત્રોની વાત કરીયે તો એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ ફૂલી ફળી રહી છે તેમ છતાં પોલીસ આંખ આડા કાન કરતી નજરે પડે છે.
આખરે નિર્દોષ લોકો ક્યાં સુધી હેરાન થશે
સરદારનગર પોલીસ સ્ટેશનથી એરપોર્ટ વિસ્તારને અલગ કરતા અમુક હદ જેમકે માયા સિનેમા, નોબલનગર ટર્નિંગ, અને જોગણીમાતાના મંદિર પાસેની હદ જે છે એ હવે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આવે છે.વાહનચાલકો ને શાહીબાગ, સરદારનગર, રિવરફ્રન્ટ અથવા ગાંધીનગર જવું હોય તો આ રસ્તેથી પસાર થવું પડે છે. આ ત્રણ પોઇન્ટ ઉપર પોલીસ સતત વાહન ચેકીંગ કરે છે જ્યાં પોલીસ અને પબ્લિક વચ્ચે માથાકૂટ થતી હોય છે. જ્યાં અમુક ઘટનાઓમાં નિર્દોષ લોકો પણ ભોગ બની જાય છે, જેનો હવે કોઈ કાયમિક નિકાલ લાવવો જરૂરી બન્યું છે.
આજે બનેલી ઘટનામાં પોલીસકર્મિયો અને વાહનચાલક વચ્ચે મારામારી થતા મામલો એરપોર્ટ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં બંને પક્ષોની સામસામે ફરીયાદ લઈ એરપોર્ટ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Views 🔥