ચાર વર્ષમાં 22 મેડલ જીતી સૌનું ધ્યાન શાળાએ ખેંચ્યું
ગ્રામીણ વિદ્યાર્થીઓ સ્કેટિંગ કરે છે ગામની શેરીઓમાં
આજે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. આપ પણ વિચારશો કે ચેમ્પિયનોની સ્કૂલ….. જી હા, ચેમ્પિયન.. છેલ્લા ચાર વર્ષમાં 22 મેડલ જીતીને રોપડા પ્રાથમિક શાળાએ શિક્ષણ જગત અને રમત જગત બન્નેનું ધ્યાન પોતાની તરફ દોર્યું છે. અહીંની શાળામાં તમે વિદ્યાર્થીઓને પૂછશો કે શું કરવું છે તો તરત કહેશે કે રમવું છે…
રોપડા પ્રાથમિક શાળાના શિક્ષક યુટ્યુબ પર વીડિયો દેખી રહ્યા હતા ત્યારે બાજુમાં એક વિદ્યાર્થી હતો વિડીયો જોઈને વિદ્યાર્થી અંકુશે કહ્યું “સાહેબ મારે પૈડા વાળા બુટ પહેરવા છે…” ૧૦ વર્ષના માસૂમ અંકુશ ઠાકોરના મુખમાંથી સરેલા આ શબ્દોએ શાળાના આચાર્ય નિશીથ આચાર્યના દિલ-દીમાગમાં અજબની હલચલ મચાવી દીધી. અને શરૂ થઈ ચેમ્પિયન સ્કૂલની સફર… આ શાળાના બાળકો સ્કેટિંગમાં ચેમ્પિયન બન્યા અને પોતાનું તથા શાળાનું નામ રોશન કર્યું છે. ગામની શાળામાં કુલ ૨૨૦ પૈકી ૧૪૦ જેટલા બાળકો સ્કેટિંગ કરી શકે છે તથા ૮૦ જેટલા બાળકોએ કરાટેની પાંચ જેટલી તાલીમ મેળવી છે.
રોપડા ગામની સરકારી શાળામાં વર્ષ ૨૦૧૫થી અલગ અલગ વિષયો પર ભણવાની સાથે વિવિધ મૂલ્યવર્ધિ પ્રવૃતિઓ અને રમત-ગમત પ્રત્યે પણ પ્રોત્સાહન અપાય છે. શરૂઆતમાં શાળાના બાળકો રમતોત્સવમાં દોડ, કૂદ, ગોળાફેંક, ખોખો, કબ્બડી જેવી રમતમાં હોંશે હોંશે પ્રેક્ટિસ કરી ભાગ લેતા જિલ્લા કક્ષા સુધી પહોંચતા. શિક્ષકો તેઓને પ્રેક્ટિસ કરાવતા બાળકોને વિવિધ રમતો પ્રત્યે વાકેફ કરી દરેક રમતો પ્રત્યે ધ્યાન આપવા જણાવતા… વિદ્યાર્થીઓ પણ ગાંજ્યા જાય તેવા નથી… ગૂગલ અને યુ ટ્યુબનો સહારો લઇ રમતોના વીડિયો જોતા થયા અને નૃત્ય કરવાનું શીખી કોરિયોગ્રાફર બન્યા… શાળાનાં શિક્ષકો પણ રસ લઈ તેમને વિવિધ રમતોના વિડીયો બતાવતા…ધીમે ધીમે શાળાના વિદ્યાર્થીઓમાં સ્કેટિંગની રમત પ્રત્યે ભાવના જાગી. સરકારી શાળાના ગરીબ બાળકોને આ રમત પ્રત્યે રૂચિ જાણી તેમણે પણ રસ દાખવ્યો…જિલ્લા વિકાસ અધિકારી અને શિક્ષણાધિકારીશ્રીએ પણ આ માટે તત્પરતા દાખવી.. એક પછી એક બાળકો આમાં પ્રાવીણ્યતા મેળવતા ગયા…અને પરિણામે પરિવર્સ સ્કેટિંગ ટુર્નામેન્ટમાં ભાગ લઇ વિશ્વ રેકોર્ડ કર્યો. ચિલ્ડ્રન વર્લ્ડ રેકોર્ડમાં શાળાના બાળકો અંકુશ, જૈમિત અને પ્રતીકે પણ સિધ્ધી હાંસલ કરી.શાળાના આચર્ય નિશીથ આચાર્ય કહે છે કે…” જ્યારે રોપડા ગામમાં વિવિધ રમતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું ત્યારે શરૂઆતમાં વાલીઓને ખાસ રસ નહતો… પણ ક્રમશ: બાળકોને તેમના વાલીઓ દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ ઉપરાંત ખો-ખો ની રમતમાં શાળાની કન્યાઓ 3 વાર જિલ્લા કક્ષા સુધી રમી છે અને રમતના લીધે તેમનામાં બૌદ્ધિક તથા શારીરિક ફાયદા જોવા મળ્યા..શાળાની આ સિધ્ધીને ધ્યાને લઈ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે પણ પ્રદર્શિત કરી પોતાની સહી કરેલું બેટ શાળાને સ્મૃતિચિહ્નન તરીકે આપ્યું. શાળાના બાળકોને પોતાના તથા આ સરકારી શાળા પર ગર્વ મહેસુસ થવા લાગ્યો. પોતે કઈ સારું કર્યું હોય તેમ તેઓનો આત્મ વિશ્વાસ વધ્યો છે…”
રોપડા ગામમાં ક્યાંય ખુલ્લી જગ્યા કે મેદાન નથી તેમ છતાં રોડ પર પ્રેક્ટિસ કરી બાળકોએ આ સિદ્ધિ મેળવી છે. આધુનિક સમયમાં શહેરનું શિક્ષણ મોંઘુ બનતું જાય છે પણ ક્યાંક રોપડા જેવી સરકારી પ્રાથમિક શાળા ભવિષ્ય ની આશ સાથે સૌને સાથે રાખી સમગ્ર બાળકોના ઉચ્ચ ભવિષ્ય સાથે મીટ માંડી રહ્યું છે. આ શાળાના સ્કેટિંગનું ઇમ્પેક્ટ પણ ગજબનું પડ્યું છે. રોપડાની આજુ બાજુના ગામમાં રહેતા સગા સંબંધીના બાળકો પણ સ્કેટિંગ કરી રહયા છે. ત્યારે આવી ઉપલબ્ધી એક ચેમ્પિયન શિક્ષક જ અપાવી શકે.