મોડાસાના સરડોઇ શાળામાં 73માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં શાળાએ જઈ રહેલા શિક્ષિકાનું અકસ્માતમાં મોત
ક્રિષ્ના પટેલ , મોડાસા
આજે 73મો ગણતંત્ર દિવસ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. ત્યારે આજનો દિવસ એક શિક્ષિકા માટે કાળમુખો સાબિત થયો હતો. અરવલ્લી જિલ્લામાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શિક્ષિકા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે શાળાએ જતાં હતા ત્યારે રસ્તામાં જ કારનો અકસ્માત થતાં મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.મોડાસા તાલુકાના સરડોઈની હાઈસ્કૂલમાં રાગીણી પટેલ નામની મહિલા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ કાર લઈને રાયગઢથી સરડોઈ જઈ રહ્યા હતા. આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે જતાં હતા. મોડાસાના ખંભીસર પાસે શિક્ષિકાના કારનું ટાયર ફાટ્યું હતું જેના પગલે કાર પલટી મારી ગઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની વધુ વિગતો મળી રહી છે તે મુજબ ટાયર ફાટયા પછી કાર ચાલક કાર ઉર કાબુ મેળવે એ ક્ષણોમાં જ કમનસીબે પૂરપાટ ઝડપે આવી રહેલી બીજી કારની ટક્કરને લઈ મૃતક મહિલા ચાલકની કાર ના ફુરચેફુરચા ઉડી ગયા હતા. અકસ્માતના પગલે કારના ભુક્કા બોલાઈ ગયા હતા. અને શિક્ષિકા રાગીણી પટેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પોલીસને કારમાંથી પરીક્ષા પેપર પણ મળી આવ્યા હતા. અને મહિલાની લાશને પોસ્ટમોર્ટ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લાલપુરમાં પણ અકસ્માતની ઘટના બની હતી. ભિલોડાના લાલપુર ગામમાં મેશ્વો કેનાલમાં પાંચ વર્ષની બાળકી ડૂબી ગઈ હતી. જેનો મૃતદેહ ટીંટોઈ પાસે તણાણીને આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ટીંટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.