નોબલનગર પાસે પોલીસ અને પબ્લિક વચ્ચે રકઝક થઈ હતી
વેપારીઓ દ્વારા કુબેરનગર બજાર એક દિવસ માટે બંધનું એલાન પણ આપ્યું હતું
સ્થાનિક નેતા અને વેપારીઓની રજુઆત બાદ અધિકારીઓએ બદલીના આદેશ આપ્યા
રિતેશ પરમાર, ક્રાઇમ રિપોર્ટર
અમદાવાદ: કોરોના કાળમાં સરકાર દ્વારા માસ્ક સામાજિક અંતર બાબતે વિશેષ ધ્યાન આપવાની સૂચના આપી છે સાથે સાથે માસ્ક ના પહેર્યું હોય તેવા લોકો પાસેથી આકરો દંડ પણ વસુલવામાં આવી રહ્યો છે ત્યારે માસ્કની માથાકૂટ અને પોલીસગીરીના પરિણામે પોલીસ અને પબ્લિક વચ્ચે અંતર વધતું જઇ રહ્યું છે.
થોડા દિવસ અગાઉ નોબલનગર એરપોર્ટ દીવાલ પાસેથી પસાર થતા એક સ્થાનિક યુવાન સાથે રકઝક બાદ સમગ્ર મામલે વધુ વિવાદ થયો હતો. સ્થાનિક નેતા બલરામ થવાણીએ જવાબદાર પોલીસ કર્મચારીઓ ઉપર પગલાં લેવા માટે રજુઆત કરી પણ અધિકારીઓ આંખ આડા કાન કરતા. એક દિવસ માટે વેપારીઓએ કુબેરનગર બજાર અને વિસ્તારમા બંધનું એલાન આપ્યું અને ફરી એક વખત મીડિયા સમક્ષ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને સ્થાનિક ધારાસભ્ય બલરામ થવાણીએ કસૂરવાર પોલીસ કર્મચારીઓ ઉપર પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી.
થોડા દિવસ પહેલા નોબલનગર પાસેના સાંઈબાબા મંદિર નજીકના ત્રણ રસ્તા ઉપર વાહન ચાલક યુવક અને એરપોર્ટ પોલીસ વચ્ચે રકઝક થતા સમગ્ર મામલે સિંધી સમાજે બજાર બંધ કરી પોલીસની કામગીરી સામે રોષ પ્રકટ કર્યો હતો. જેમાં ઉચ્ચ અધિકારી સેક્ટર-2 ગૌતમ પરમાર સાહેબ અને ઝોન 4 ના ડીસીપી રાજેશ ઘઢીયા સામે સિંધી સમાજના આગેવાનોએ એરપોર્ટ પોલીસ અને સરદારનગર પોલીસ સ્ટેશનનાં મહિલા પીએસઆઈ મોથલિયાની કામગીરી સામે સવાલો ઉભા કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પરિણામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ડીસ્ટાફ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા મહિલા PSI મોથલિયાની જાહેરહિતમાં બદલી કરીને સેક્ટર-2 રીડર તરીકે મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે એરપોર્ટ પોલીસ સ્ટેશનના ASIને દરિયાપુર બદલી કરવામાં આવી છે.
Views 🔥