કોરોનાગ્રસ્ત દર્દીઓ તણાવથી દૂર રહી શકે તે માટે સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલ અને મંજુશ્રી હોસ્પિટલમાં દર્દીઓને પુસ્તક અપાય છે
‘બા, હું છુ ને…! તમે શું કામ ચિંતા કરો છો… હું તમારી દીકરી જેવી જ છુ…’-કાઉન્સેલરોનો દર્દીઓ સાથે લાગણીસભર સંવાદ…
Views 🔥‘મને કંઈ થઈ જશે તો…?’ અથવા ‘મને કંઈ થશે તો નહી ને…? કોરોનાના કહેર વચ્ચે મહત્તમ લોકો આ પ્રકારના કાલ્પનિક ભયથી થરથરતા રહે છે… બેશક, ગુજરાત સરકાર અને રાજ્યના તમામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર્દીઓ માટે સારવાર –સુવિધા ઉભી કરતા અનેક પગલા લેવાયા છે અને લેવાઈ પણ રહ્યા છે… પરંતુ અનુભવે એવું જણાયું છે કે, દર્દીઓને સારવારની સાથે સાથે તેમને હુંફ મળે અથવા તો તેમનું ધ્યાન કોઈ હાકારાત્મક વાત તરફ વાળવામાં આવે તો ખુબ સારા હકારાત્મક પરિણામ પણ મળે છે.. આ વાતને ધ્યાને રાખીને અમદાવાદની સીવીલ હોસ્પિટલ તથા મંજુશ્રી હોસ્પિટલ દ્વારા દર્દીઓને સારવારની સાથે સાથે ‘પુસ્તક’ પણ આપવામાં આવે છે…
આ અંગેની વાત કરતા સિવીલ હોસ્પિટલના અધિક સુપ્રિન્ટન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, ‘ અમે કોવિડ ગાઈડલાઈન પ્રમાણે તમામ દર્દીઓની સારવાર તો કરીએ જ છીએ, એ અમારી પ્રાથમિક ફરજ પણ છે…પરંતુ જો દર્દીઓનું ધ્યાન વાંચન તરફ વાળવામાં આવે તો કદાચ તેમની રીકવરી વધુ ઝડપથી થાય તેવું અમે દ્રઢ પણે માનીએ છીએ…. અને એટલે જ અમે દર્દીઓને તેમને ગમતા પુસ્તક વાંચવા આપીએ છીએ…દર્દીઓને આ અભિગમ ખુબ ગમ્યો છે, અને લગભગ તમામ દર્દીઓએ તેને આવકાર્યો છે…
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સતત સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે તે ખૂબ જ જરૂરી છે. કોરોનાની સારવાર દરમિયાન ઘણા દર્દીઓ માનસિક રીતે પડી ભાંગે તેવા કિસ્સા જોવા મળે છે. પરંતુ આ રોગ સામે ડરવાની નહીં પરંતુ તેનો સામનો કરવાની જરૂર છે.
કોરોનાની સારવાર દરમિયાન આઇસોલેશન ખૂબ જ જરૂરી છે. આઇસોલેશન એટલે એકાંત અને આ એકાંત વ્યક્તિ પોતાના સમીપે પણ રહી શકે છે. ‘સ્વ’ ની અનુભૂતિ કરી શકે છે. આવા સમયે વ્યક્તિના સૌથી સારા મિત્રો એટલે પુસ્તકો .. સારા પુસ્તકો એ હજાર મિત્રોની ગરજ સારે છે તે કહેવત પ્રમાણે જ કોરોનાની પરિસ્થિતિમાં પણ જો દર્દી સતત સકારાત્મક વિચારોનું ચિંતન કરતો રહે તો એચોક્કસપણે સારવારને સારા પરિણામો મળી શકે છે.
સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, સિવિલ હોસ્પિટલ કોરોના ડેઝીગ્નેટેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ અને મંજુશ્રી હોસ્પિટલમાં દર્દીઓની માનસિક સ્થિતિની દરકાર કરીને તેમનું કાઉન્સેલીંગ કરવા માટે કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવી છે. આ કાઉન્સેલર દ્વારા દર્દીઓને એકલવાયાપણાની અનુભૂતિ ન થાય તે માટે સતત કાઉન્સેલીંગ કરવામાં આવે છે. તેમની માનસિક સ્થિતિ મજબૂત રહે તે માટે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. ક્યાંક આ કાઉન્સેલરો નીચે દર્દી સાથે બેસીને તેમની સાથે લાગણીસભર વાત કરતા કહે છે કે, ‘બા, હું છુ ને…! તમે શું કામ ચિંતા કરો છો… હું તમારી દીકરી જેવી જ છુ…’ કદાચ આટલા શબ્દો કોઈ પણ દર્દીને બીમારીમાંથી ઉભો કરી દોડતો કરવા સમર્થ છે…
કોરોનાની સારવાર મેળવી રહેલા દર્દીઓ રોગથી ડિપ્રેશનમાં કે ચિંતામાં ન રહે તે માટે જીવનમાં હકારાત્મક વલણ જાળવી રાખે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓને આધ્યાત્મિક અને સકારાત્મક વિચારસરણી કેળવાય તેવા પુસ્તકો આપવામાં આવે છે. આવા અભિગમ દર્દીને બેઠા કરવા પુરતા છે… એ પણ એટલું જ નિશ્ચિત છે…