Read Time:1 Minute, 11 Second
મને મારો સ્વભાવ નડે છે! કવિ અંકુર શ્રીમાળીની કલમે!
કોણ જાણે કેમ અસત્ય સામે ઝૂકતા,
મને મારો સ્વભાવ નડે છે.
અહિં ધૂરંધરો જ્યારે પાટલી બદલે ત્યારે,
સમજાવતા મારા મનને,
મને મારો સ્વભાવ નડે છે.-૧
તું સત્ય નહી કહે તો ચાલશે,
પણ તું દ્રોણ સામે યુધિષ્ઠિર બને છે,
ત્યારે તમારી પીઠ થપથપાવતા,
મને મારો સ્વભાવ નડે છે. -૨
આમ તો જીત તમારી સરળ હતી,
કવચ-કુંડળ આપી, ‘મા’ કહેતા,
મને મારો માહ્યલો નડે છે.-૩
તું હશે તો, ભલે હશે, મંદિર,મસ્જિદ કે દેવળોમાં,
અત્યારે લૂંટાતી અનેક પાંચાળીની વ્હારે નથી આવતો,
ત્યારે તને ભજતા, મને મારો સ્વભાવ નડે છે. -૪
ચાલ તનેય માફ કરી દઉં, ઓ હજાર હાથ વાળા,
પણ આ બે હાથ વાળા તારા નામે લૂંટે છે,
ત્યારે ફરી પાછો તને ભાંડતા,
મને મારો સ્વભાવ નડે છે.-૫
——————————— ————————– ——————————- ———- અંકુર શ્રીમાળી- તા.૦૫/૦૬/૨૦૨૧-શનિવાર