પોલીસના રાજમાં બુટલેગરો બન્યા બેફામ, ગોમતીપુરમાં દેશી દારૂના અડ્ડાઓની અરજી કરનાર મહિલા ઉપર હુમલો!
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)
અમદાવાદમાં ઠેર ઠેર દેશી દારૂના સ્ટેન્ડો ધમધમી રહ્યા છે તે વાત કોઈના થી છુપી નથી. પોલીસ અધિકારીઓ અને વહીવટદારો સાથે સાંઠગાંઠ કરી બુટલેગરો મસમોટા હપ્તાઓ પોલીસને પહોંચતા કરી મોટા પ્રમાણમાં દેશી દારૂનો વેપલો ચલાવી રહ્યા છે.એટલુંજ નહી પરંતુ આ બુટલેગરો સ્થાનિક પોલીસની સાથે ધરોબો ધરાવી જાણે વિસ્તારના મોટા ડોન હોય તેમ પોતાનું વર્ચસ્વ જાળવી રહ્યા છે. કોઈપણ જાગૃત નાગરિક પોલીસ કે બુટલેગરો વિરૃદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાની કોશિષ કરે તો, પોલીસની મહેરબાનીથી બુટલેગરો ખુલ્લેઆમ ગુંડાગર્દી કરી લોકોને આર્થિક કે શારીરિક નુકશાન પહોંચાડતા જરાય પણ નથી ખચકાતા. કારણકે અંદર ખાને સ્થાનિક પોલીસ બુટલેગરોને ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ ચલાવવાની પરમિશન આપી લાખો રૂપિયાનો વ્યવહાર કરે છે, જેથી બુટલેગરોના કાળા વેપારમાં કોઈ નડતરરૂપ બને તો બુટલેગરો તેને ડરાવી ધમકાવી કે તેની સાથે મારઝૂડ કરે છે. અથવા પોલીસ કેસ કરાવી ચુપ કરાવી દે છે. જેમાં સ્થાનિક પોલીસ બુટલેગરોને પૂરતું સપોર્ટ કરે છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આવોજ એક કિસ્સો અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બન્યો છે, જેમાં બુટલેગરો દ્વારા એક જાગૃત મહિલા ઉપર હુમલો કર્યો છે.
તમને જણાવી દઈએ કે, ગોમતીપુરના રાજપુર ટોલનાકા પાસે કેટલાય દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. જેમાં બુટલેગરોને સ્થાનિક પોલીસનો આશીર્વાદ છે તેવું સ્થાનિક લોકો અને સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. અનેક વખત રજૂઆતો હોવા છતાં ગોમતીપુર પોલીસ દ્વારા બુટલેગરો વિરૃદ્ધ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નથી આવતી હોવાના કારણે ગોમતીપુર પોલીસની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે.આજરોજ એક મહિલા સામાજિક કાર્યકર્તા વર્ષાબેન પરમાર નામની મહિલા ઉપર કેટલાક બુટલેગરો એ કાયદો કે પોલીસનો ડર રાખ્યા વગર હુમલો કર્યો હતો. જેથી મહિલા સામાજિક કાર્યકરને શારદાબેન હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી.
જો વાત કરીયે ગોમતીપુર ટોલનાકા પાસેની જીવરામ ભટ્ટની ચાલી રાજપુર ની તો ત્યાંના નામચીન બુટલેગરો સવિતાબેન, પીન્ટુભાઇ, વાલીબેન, અનિલ ગલચર, વિજય ગલચર નામના બુટલેગરોના ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. જેના લીધે સ્થાનિક નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જે સંદર્ભમાં ગોમતીપુરમાં રહેતા અને સોશ્યલ એકટીવીટી સાથે જોડાયેલા વર્ષાબેન પરમારે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બુટલેગરો વિરુદ્ધ દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા અરજી આપી હતી. આ અરજી બાબતે બુટલેગરોને જાણ થઈ જતા અરજીની અદાવત રાખી વર્ષાબેન પરમાર ઉપર જીવલેણ હુમલો કરવાની કોશિષ કરી હતી. પરંતુ આ હુમલામાં વર્ષાબેનને માથાના ભાગે માર વાગતા સીટી સ્કેન કરાવવું પડ્યું છે. તેમજ સદનસીબે તેમને કોઈ વધુ ઇજા થઈ ન હતી.
પરંતુ આજની ઘટનામાં બુટલેગરો બેફામ બની એક મહિલા ઉપર હુમલો કર્યો છે. આખરે તો આવા ગુનેગારો કોના જોરે આટલી દાદાગીરી કરી રહ્યા છે. અમદાવાદમાં આવો કોઈ પહેલો બનાવ નથી કે, કોઈ બુટલેગર દ્વારા જાગૃત નાગરિક ઉપર હુમલો કર્યો હોય.આવા ઘણા બધા કિસ્સાઓ બની ચુક્યા હોવા છતાં પોલીસતંત્ર કેમ જાગતું નથી. કોના આશીર્વાદથી દેશીદારૂના અડ્ડાઓને મંજૂરી મળે છે.?!કોણ અધિકારીઓ છે જે વહીવટદારોને બુટલેગરો સાથે વ્યવહાર કરવાનું કહે છે!જો ગુજરાતમાં દારૂબંધી છે તો પછી કેમ અમદાવાદમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે? ગોમતીપુરમાં બનેલી ઘટના ચાડી ખાય છે કે સ્થાનિક પોલીસ ના આશીર્વાદ થીજ બુટલેગરો દેશી દારૂના અડ્ડાઓ ચલાવી રહ્યા છે! મહિલા ઉપર હુમલો કેટલો યોગ્ય છે! સુ છે ગુજરાત પોલીસ મોડલ? અગાઉ પણ ગોમતીપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પીસીબી દ્વારા ટેમ્પો ભરેલો દેશી દારૂ ઝડપી પાડ્યો હતો! અને હાલમાં પણ સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે કે, ગોમતીપુર પોલીસે 3 કટ્ટા દેશી દારૂ સાથે એક બુટલેગરની ધરપકડ કરી હતી, પરંતુ એ મામલમાં પોલીસે તોડ કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યો છે. જેની તપાસ થવી જરૂરી છે.ઉલ્લેખનીય છે કે આ મામલે અરજદાર અને સામાજિક કાર્યકર મહિલા વર્ષાબેન પરમારને ગોમતીપુર પોલીસનો સાથ સહકાર ના મળતા આ મહિલા એસીપી એચ ડિવિઝન કચેરીમાં ફરીયાદ કરવાનું નક્કી કર્યુ છે.