▪️રસી લેવા યોગ્ય તમામ લોકોના રસીકરણનું લક્ષ્ય સિદ્ધ કરવાના માર્ગે
▪️વડોદરા તાલુકાના
કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામે મેળવી ૧૦૦ ટકા રસીકરણની સિદ્ધિ:સેવા સંસ્થાના યુવાનોની મદદ રંગ લાવી
▪️ પાદરા તાલુકાના ત્રણ ગામો પણ રસી શતક વીરની યાદીમાં સામેલ
વડોદરા જિલ્લાના સરકારી દવાખાનાઓમાં કાર્યરત તબીબો અને ચાવીરૂપ સ્ટાફને તાજેતરમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો ખાસ કરીને બાળ આરોગ્ય કેવી રીતે સાચવવા સહિત તકેદારીના પગલાંની જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાલીમ આપવાની પહેલ કરવામાં આવી છે. તેની સાથે કોરોનાના સંભવિત હુમલા સામે ટક્કર લેવા માટે ગ્રામીણ સમુદાય એક આગવી રીતે તૈયાર થઈ રહ્યો છે.
જિલ્લાના ઘણાં નાના પણ જાગૃત ગામો, જેઓ રસી લેવાને પાત્ર છે તેવા લોકોના ૧૦૦ ટકા રસીકરણનું ધ્યેય સિદ્ધ કરવાની સમીપ પહોંચી ગયા છે.જિલ્લા આરોગ્ય તંત્રની ટીમો દ્વારા રસી આપવાની સતત સમર્પિત કામગીરી અને લોકોની જાગૃતિ થી આ શક્ય બની રહ્યું છે.
અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળનું અલ્હાદપુરા ગામ,જે એક નાનકડું ગામ છે,તે ૧૦૦ ટકા રસીકરણની સિદ્ધિ મેળવનાર તાલુકાનું કદાચિત પ્રથમ ગામ બન્યું છે તેવી જાણકારી આપતાં કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી ડો. જિતેન રાણાએ જણાવ્યું કે આ ગામની કુલ ૯૮૪ ની વસ્તીમાં ૫૬૧ લોકો ૧૮+ ની શ્રેણીમાં આવે છે.એટલે કે તેઓ રસી મુકાવવાને પાત્ર છે.
તેની સામે ૫૦૬ લોકોએ રસી લઈ લીધી છે.બાકી રહેતા ૫૫ લોકો પૈકી ૨૭ લોકોને કોરોના થયો હતો એટલે તેઓ ત્રણ મહિના પછી રસી લેવાને પાત્ર થશે.અને અન્ય 26 લોકો મોટેભાગે વડોદરા રહે છે અને તે પૈકીના મોટાભાગના લોકોએ શહેરી વિસ્તારમાં રસી લઈ લીધી છે.આમ,આ નાનકડા ગામે સંપૂર્ણ રસીકરણની દિશા દર્શાવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે આ ગામના લોકોની જાગૃતિ સલામીને પાત્ર છે તેની સાથે આ કામમાં સહયોગ આપનાર સેવા સંસ્થા ઈ.એસ.આર. ફાઉન્ડેશનના યુવા સ્વયંસેવકોની મહેનત અને કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમની સમર્પિત સેવાઓ ધન્યવાદને પાત્ર છે.
આ આરોગ્ય કેન્દ્ર હેઠળના ચિખોદરા, ભાલિયાપુરા, હેતમ્પુરા અને તતારપુરા ગામો પણ ૧૦૦ ટકા રસીકરણની સમીપ પહોંચી ગયાં છે અને આગામી સપ્તાહમાં સંપૂર્ણ રસી સંરક્ષિત ગામો બની જવાની સંભાવના છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પાદરા તાલુકાના મોભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના મોભા, વણછરા અને અંબાડા ગામોના લોકોને અને આરોગ્ય ટીમોને રસી શતક વીર ગામો બનવા માટે બિરદાવ્યા છે.આ ગામો પણ સંપૂર્ણ રસી રક્ષિત બન્યા છે.
આ ઉપરાંત તાલુકાના મોભા રોડ, ડભાસા અને લુણા ગામો પણ શત પ્રતિશત રસી રક્ષિત ગામો બનવાની નજીક પહોંચી ગયા છે.
અત્રે નોંધ લેવી ઘટે કે ઉપર જણાવેલી સંસ્થાના યુવા સ્વયંસેવકોએ અલ્હાદપુરા ગામમાં લગભગ ૧૦ દિવસ સુધી જુદાં જુદાં કાર્યક્રમો દ્વારા આદરેલી લોક જાગૃતિની ઝુંબેશ નું આ સિદ્ધિમાં ઘણું મોટું યોગદાન છે.